દેશભરમાં મનાવાતા ગણેશ મહોત્સવમાં મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ઊજવાતો ગણપતિ ઉત્સવ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ત્યારે, મુંબઈના GSB સેવા મંડળની સ્થાપિત બાપ્પાની પ્રતિમાની કઈંક ઓર જ વિશેષતા છે. Gowd Saraswat Brahman (GSB) સેવા મંડળના ગણપતિ સૌથી ધનિક ગણપતિ મનાય છે. અહીં બિરાજમાન ગણપતિને આ વર્ષે આ 69 કિલો સોનાના અને લગભગ 336 કિલો ચાંદીનાં ઘરેણાંથી શણગારવામાં આવ્યાં છે.GSB સેવા મંડળ સ્થાપિત ગણેશ પ્રતિમાને ગત વર્ષે 66 કિલો સોના અને 295 કિલો ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવી હતી. આ વખતે GSB મંડળે ગણપતિ પંડાલનો 400.8 કરોડ રૂપિયાનો વીમો ઉતાર્યો છે. પંડાલ સંપૂર્ણ રીતે ફાયર પ્રૂફ છે. બાપાના દર્શન માટે એન્ટ્રી QR કોડથી મેળવવી પડે છે. બાપ્પાનાં દર્શન 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યા છે. જ્યારે ઉત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થયો છે.GSB ગણેશમંડળ મુંબઈના કિંગ્સ સર્કલ વિસ્તારમાં આવેલ છે. જ્યાં આ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આ 70મું વર્ષ છે. આ ધનિક બાપાના દર્શન માટે ભક્તોએ પહેલા GSB વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. QR કોડ ઉપલબ્ધ થશે. એને સ્કેન કર્યા બાદ પંડાલમાં પ્રવેશ કરી શકાશે. પંડાલમાં દરરોજ લગભગ 16 હજાર લોકો ભોજન કરશે. પંડાલમાં આવનારા દરેક ભક્તને પ્રસાદની થેલી આપવામાં આવે છે. સેવા મંડળે પ્રથમ વખત ભક્તોની સુરક્ષા માટે પંડાલમાં તમામ સ્થળોએ ફેશિયલ રેકગ્નિશન કેમેરા લગાવ્યા છે.
GSB મંડળના આ ગણેશ પંડાલને ગત વર્ષે 360 કરોડ રૂપિયાનો વીમો મળ્યો હતો. મંડળ દર વર્ષે 5 દિવસ ગણેશ ઉત્સવનું આયોજન કરે છે. બાપ્પાનાં દર્શન માટે સામાન્ય લોકોથી લઈને VIP અને પોલિટિશિયન્સ, અભિનેતાઓ સુધીના ભક્તો બાપ્પાના દર્શન કરવા આવે છે.
અહીં ગણેશ મહોત્સવ દરમ્યાન દરરોજ 7 હજાર હવન થશે. પંડાલમાં સૌથી નાની પૂજા માટે 555 રૂપિયા અને સૌથી મોટી પૂજા માટે 7 લાખ રૂપિયાનો ખર્ચ થશે. પંડાલ ફાયરપ્રૂફ છે અને એનું પાંચ દિવસનું ભાડું 1.5 કરોડ રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે, ગૌડ સારસ્વત બ્રાહ્મણ (G.S.B.) સેવા મંડળ, મુંબઈની સ્થાપના વર્ષ 1951 માં વિજયા દશમીના શુભ દિવસે કરવામાં આવી હતી. સમાજના થોડા સભ્યો કમલા મિલ્સમાં કામ કરતા હતા જેઓએ એક ટીમ બનાવી હતી. આ ટીમ GSB સેવા મંડળના બેનર હેઠળ અંતિમ સંસ્કાર અને સંબંધિત ધાર્મિક વિધિઓ માટે વ્યવસ્થા કરતી હતી. શરૂઆતના દિવસોથી જ તેઓએ સમયનો ભક્તિમાં અને ભજનમાં કાઢતા હતાં. એ પરથી આ ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો. સાથે જ આરોગ્ય, શિક્ષણ, જરૂરિયાતમંદ ને મદદ જેવી સેવાકીય પ્રવૃતિઓ પણ આ મંડળની આધારશીલા બની છે.