વર્ષ 2024માં મેઘરાજાએ વધુ એકવાર શતક પૂરું કર્યું છે. આ વર્ષે શરૂઆતમાં વરસાદ ના મોડા મંડાણ થયા હતાં. પરંતુ જેમ ક્રિકેટ મેચમાં ધીમું રમતો બેટ્સમેન અચાનક અડધી સદી બાદ બોલરોને ઝૂડી નાખી સદી પુરી કરી નાખે એવી અદા માં વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં 50 ઇંચ માંડમાંડ વરસેલા મેંઘરાજાએ છેલ્લા એક પખવાડિયામાં અનરાધાર વરસી જિલ્લાના 6 તાલુકા પૈકી 2 તાલુકામાં પોતાની શતકીય ઇંચ ની ઇનિંગ પુરી કરી લીધી છે. બાકીના 4 તાલુકામાં હવે સદી તરફ આગેકૂચ ચાલી રહી છે. સંઘ પ્રદેશ સેલવાસમાં પણ સિઝનનો કુલ વરસાદ 100 ઇંચ ને પાર થયો છે.વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં સીઝનના કુલ વરસાદની વિગતો જોઈએ તો 27મી ઓગસ્ટ સુધીમાં વલસાડ જિલ્લામાં સરેરાશ 99 ઇંચ વરસાદ નોંધાયો છે. તાલુકા મુજબ જોઈએ તો, સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 118 ઇંચ નોંધાયો છે. વલસાડ તાલુકામાં કુલ 103 ઇંચ વરસાદ નોંધાયો છે. વાપી તાલુકામાં 98 ઇંચ, ધરમપુર તાલુકામાં 96 ઇંચ, પારડી તાલુકામાં 91 ઇંચ અને ઉમરગામ તાલુકામાં 90 ઇંચ વરસાદ નોંધાયો છે.આ તરફ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી ના પાટનગર સેલવાસમાં પણ મેઘરાજાએ સેન્ચ્યુરી પુરી કરી લેતાં કુલ વરસાદ 105 ઇંચ થયો છે. જ્યારે દમણમાં 92 ઇંચ સિઝનનો કુલ વરસાદ નોંધાયો છે.વરસાદની સિઝન દરમ્યાન આ વર્ષે પડેલા વરસાદમાં થયેલી ખાના ખરાબીની વાત કરીએ તો, જિલ્લાના તમામ રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થયું છે. વલસાડના નીચાણવાળા વિસ્તારમાં પુરની સ્થિતિ ઉદભવતા લોકોનું સ્થળાંતર કરવાની નોબત આવી છે. અનેક વિસ્તારોમાં ઝાડ પડવાના, પાણી ભરાવાના, વીજળીના પોલ પડવાને કારણે લાઈટ ગુલ થવાના બનાવો બન્યા છે. તો, અન્ડરપાસ માં પાણી ભરાવાથી લોકોએ ટ્રાફિકની હાડમારી સહન કરવાની આવી છે. અનેક કોઝવે ડૂબાણ માં જવાથી રસ્તા એકાદ બે દિવસ સુધી બંધ રહ્યા હતાં. વાહનવ્યવહાર અને ટ્રાફિકની સમસ્યાથી જનજીવન ત્રસ્ત થતું જોવા મળ્યું હતું.જો કે, જિલ્લામાં અને સંઘપ્રદેશમાં મેઘરાજાની મહેર વધુ અને કહેર ઓછો વર્તાયો છે. તમામ નદીઓ હાલ બે-કાંઠે વહી રહી છે. મધુબન ડેમનું લેવલ પણ 75મીટર પાર પહોંચ્યું છે. અફસોસ છે કે, આ વર્ષે પણ દર વર્ષની વરસાદી પાણીના સંગ્રહની કોઈ ઠોસ યોજના ના હોય મોટાભાગનું પાણી દરિયામાં વહી ગયું છે. જેના સંગ્રહની વ્યવસ્થા સમયની માંગ છે જે આવનારા વર્ષોમાં સંતોષાસે તો ભવિષ્યમાં પાણીની કટોકટીનું નિવારણ થશે. નહિ તો આ પાણીનો વ્યવ ભવિષ્યમાં આ તરબતર કરતા નિતાર પ્રદેશમાં પાણીની તંગીનો પ્રશ્ન ઉભો કરશે એ નક્કી છે.