વાપી તાલુકાના છીરી ગામમાં બિલ્ડર દ્વારા સાઈ સબુરી રેસિડેન્ટ્સ પ્રોજેકટ હાથ ધરી તૈયાર થયેલ ફ્લેટના ફ્લેટધારકોને પઝેશન આપ્યા બાદ બુકિંગ સમયે કરેલા મોટાભાગના વાયદાઓ છેલ્લા દોઢ થી 4 વર્ષ સુધીમાં પુરા નહિ કરતા ફ્લેટધારકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.ફ્લેટ ધારકોએ જણાવ્યું હતું કે, તેમાંના ઘણા ખરા લોકોએ અહીં 4 વર્ષ પહેલાં બુકિંગ કરાવ્યું હતું. આ રેસિડેન્સીમાં અંદાજીત 8 જેટલા એપાર્ટમેન્ટ તૈયાર થઈ ચૂક્યા છે. જેમાં ફ્લેટ માલિકો પોતાના પરિવાર સાથે રહે છે. પરંતુ બિલ્ડર દ્વારા બુકિંગ વખતે આપેલી વિવિધ સવલતોની બાંહેધરી પુરી કરી નથી. રહેવાસીઓના જણાવ્યા મુજબ બિલ્ડિંગમાં ગેસ લાઇન નથી. ફાયર સેફટી નથી. ફાયરના વાહનની અવરજવર થઈ શકે તેટલા પહોળા રસ્તા નથી બનાવ્યા, મુખ્ય ગેટ પર સિકયુરિટી કે ગેટની વ્યવસ્થા નથી. CCTV કેમેરા માત્ર નીચે જ મુકવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં જવા માટેનો રસ્તો ખાડા ખાબોચિયા વાળો હોય આવાગમન માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલમાં કિચ્ચડમાંથી પસાર થવું પડે છે. કચરા વ્યવસ્થાપનની કોઈ સગવડ નહિ હોય કચરાની દુર્ગંધ આવે છે. મુખ્ય ગેટ પર ગેટ જ ના હોય ઢોર-કૂતરા સોસાયટીમાં ઘુસી આવે છે. ગાર્ડન ની સુવિધા નથી.આ અનેક સમસ્યા સામે તેઓ ઝઝૂમી રહ્યા છે. એવામાં આ સોસાયટીમાં બિલ્ડર દ્વારા હજુ વધુ બિલ્ડીંગ નું કન્સ્ટ્રકશન કામ કરાઈ રહ્યું છે. જે આવાગમનના મુખ્ય માર્ગ નજીક છે. કામ દરમ્યાન કોઈ સેફટી રાખવામાં આવી નથી. એટલે પસાર થતા દરેક ફ્લેટધારક પર ઉપરથી માલસામાન કે અન્ય કોઈ ભારે ચીજવસ્તુ પડશે તેવા ડર સાથે પસાર થવું પડે છે.આ તમામ સમસ્યાઓ અંગે સોસાયટીના લોકોએ બિલ્ડરને અનેક વખત રજુઆત કરી છે. તેમ છતાં બિલ્ડર પોતાની મનમાની ચલાવી સુવિધાઓ આપવામાં અખાડા કરે છે. બિલ્ડર રહેવાસીઓને માત્ર હૈયા ધરપત આપી પોતાનું કન્સ્ટ્રકશન કામ કર્યે જાય છે. તેમને રહેવાસીઓના જીવની કોઈ જ ફિકર ના હોવાના આક્ષેપ સાઈ સબુરીમાં રહેતા ફ્લેટ ધારકોએ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ આક્ષેપો બાબતે બિલ્ડરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હજુ સોસાયટીમાં અન્ય બિલ્ડિંગના કામ ચાલે છે. જે પૂર્ણ થાય તે બાદ તમામ સુવિધાઓ આપવામાં આવશે. રહેવાસીઓ સાથે પણ વાતચીત કરી છે. તેઓને સાંભળ્યા છે. અને એકાદ મહિનામાં જરૂરી સુવિધા પૂરી પાડવા પ્રયાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેની સામે રહેવાસીઓનો આક્ષેપ છે કે, કામ તો આગામી 5 વર્ષ સુધી પુરા નહિ થાય તો શું અમારે ત્યાં સુધી જીવન જોખમે અહીં રહેવાનું?