સંઘપ્રદેશ દમણમાં વસતા આદિવાસી સમાજના લોકો દ્વારા 13 મા આદિવાસી દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નાની દમણ ના ભેંસલોર ચાર રસ્તા પાસે આવેલા કોળી પટેલ સમાજના નાના હોલમાં સમાજ દ્વારા વિશેષ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.જેમાં સમાજના યુવાનો અને નાના બાળકોની સાથે મોટેરાઓ દ્વારા આદિવાસી નૃત્ય તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજના આ ખાસ પ્રસંગે દમણ જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ ધીરૂભાઈ ધોડી દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમાજના લોકોને શુભેચ્છા પાઠવી જળ, જમીન, જંગલ તથા આદિવાસી સંસ્કૃતિ અને વિરાસત ને બચાવવા હર હંમેશ તત્પર રહેવા સમાજના લોકોને આહવાન કર્યું હતું.
આ સાથે જ આદિવાસી સમાજના અમુક મુંઝવતા પ્રશ્નો જેવા કે મોટી દમણ કલેક્ટર કચેરી પાછળ આદિવાસી સમાજ માટે બનાવવામાં આવેલા આદિવાસી ભવન જ્યાં હાલ પ્રશાસન દ્વારા શિક્ષણ ભવન બનાવી દેવામાં આવ્યું છે તેમાં 2 ઓરડા આદિવાસી સમાજ માટે ફાળવવામાં આવે,
2 વર્ષથી વધુ સમયથી આદિવાસી સમાજના લોકો માટે પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજના હેઠળ નવા પાકા મકાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવા છતાં મકાન બન્યા ન હોવા અંગે તથા આદિવાસી સમાજના લોકો સાથે થઈ રહેલા અન્યાય હેતુ દાનહ-દમણ-દીવમાં આદિવાસી કમિશનના ગઠનની માંગ સાથે પ્રશાસનને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે.