વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે પ્રોટેક્શન વૉલ મહામુસીબત બની છે. મોટા મોટા પથ્થરોને દરિયા કિનારે પાથરી બનાવેલ પ્રોટેક્શન વૉલ માં પગથિયાં જ બનાવવામાં આવ્યા નથી. જેથી માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ માછીમારોને દરિયા કિનારે જવા અને આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે મહામુસીબત બનેલ પ્રોટેક્શન વૉલ અંગે સ્થાનિક ગામના માછીમાર એવા કૈલાશ માંગેલા, સ્થાનિક પંચાયત વોર્ડના સભ્ય રમેશ માંગેલા, સ્થાનિક અગ્રણીઓએ પોતાની હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, દેહરી ગામે દરિયાઈ પ્રોટેક્શન વૉલ બનાવવા માટે મોટા મોટા પથ્થરોને દરિયા કિનારે પાથરી દીધા છે. જ્યાં પથ્થરોની આડશ માં પગથિયાં જ બનાવવામાં આવ્યા નથી. ગામના મોટાભાગના લોકોનો વ્યવસાય માછીમારી કરવાનો છે. જે માટે દિવસના કે રાત્રીના ગમે ત્યારે દરિયામાં જવાનું થતું હોય છે. જેમાં દરિયા કિનારાની આ પગથિયાં વગરની પથ્થરોની પ્રોટેક્શન વૉલ આવ-જા માટે ભારે મુશ્કેલી ઉભી કરે છે. પગથિયાં ના અભાવે દરિયામાં ભારે વજનવાળીનો જાળ લઈને જતા માછીમારોએ મોટા પથ્થરોની આડશ પાર કરવી અનિવાર્ય છે. જેમાં માછીમારોએ અકસ્માતનો પણ ભોગ બનવું પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકરને લેખિતમાં રજુઆત કરી છે. પરંતુ હજુ સુધી પરિણામ શૂન્ય છે. મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના દેહરી ગામના દરિયા કિનારે દરિયાઇ ધોવાણને અટકાવવા અંદાજિત 10 કરોડ રૂપિયાના ખર્ચે દરિયાઈ પ્રોટેક્શન વૉલ બનાવમાં આવી છે. જો કે આ પ્રોટેક્શન વૉલ ના નામે અહીં મહાકાય પથ્થરો ગોઠવીને એને જ પ્રોટેક્શન વૉલ નું નામકરણ કરી નાખ્યું છે. જે દરિયાઈ પાણીને ગામમાં ઘૂસતા અટકાવવામાં તો નિષ્ફળ સાબિત થઈ છે. પરંતુ ગામના લોકોનો દરિયામાં જતા અટકાવી મહામુસીબત ઉભી કરી છે. દહેરી ગામમાં મોટાભાગના લોકો માછીમારી કરી ગુજરાન ચલાવે છે. દિવસ કે રાત્રે ગમે ત્યારે માછીમારી કરવા જવું પડે છે. જેમાં પ્રોટેક્શન વૉલ મુસીબત બની છે. તંત્રએ કરોડોના ખર્ચે પ્રોટેક્શન વૉલ ના નામે મોટા પથ્થરો દરિયા કિનારે ગોઠવી દીધા છે. ક્યાંય પગથિયાં જેવું કશું ચઢ-ઉતર માટે રાખ્યું નથી. તેથી મુસીબત વેઠતા ગામલોકોને અને માછીમારીની સમસ્યા સાથે ગણેશ ઉત્સવ દરમ્યાન ગણેશજીની પ્રતિમા દરિયામાં કઈ રીતે વિસર્જિત કરશે તેની પણ ચિંતા છે.ગામ લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ગણેશ ઉત્સવ મહાઉત્સવ છે. ગણેશ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તો ગણેશ પ્રતિમા ની સ્થાપના કરી ભક્તિ ભાવપૂર્વક તે પ્રતિમાનું દરિયામાં વિસર્જન કરવા જાય છે. હાલમાં દરિયા કિનારે પ્રોટેક્શન વૉલ ના નામે મૂકી દીધેલા આ મસ મોટા પથ્થરોને પાર કરી પ્રતિમાનું કઈ રીતે વિસર્જન કરશે. ગામ લોકોની માંગ છે કે પ્રોટેક્શન વૉલ બનાવનારી કન્સ્ટ્રક્શન કંપની અને તેને લગતા વિભાગો ગામ લોકોની આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે.