વલસાડ જિલ્લામાં તા. 25 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ મળી હતી. કલેકટરે જિલ્લાની પ્રજાને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. તેમણે નિચાણવાળા વિસ્તારમાં ન જવા આમજનતાને અપીલ કરી છે. જિલ્લા કલેકટરએ વધુમાં જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. રૂટ લેવલ સુધી અધિકારી-કર્મચારીઓ તેમજ ગામજનોને સંપર્ક સાધીને ભારે વરસાદની આગાહીથી વાકેફ કરાયા છે. અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે.જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ટીમના 28 કર્મીઓ દિવસ રાત નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. ઔરંગા નદીમાં પાણીની સપાટી વધે તો એલર્ટ સિસ્ટમ દ્વારા જાણ થતા તંત્ર દ્વારા નિચાણવાળા લોકોને એલર્ટ કરાશે. સ્થળાંતરની પરિસ્થિતિ ઉભી થાય તે માટે સ્થળો સુનિશ્વિત કરાયા છે.વધુ વિગત આપતાં કલેકટરે જણાવ્યું કે, મધુબન ડેમનું રૂલ લેવલ ૭૨ મીટર છે. ડેમ ભયજનક સપાટીએ પહોંચે ત્યારે પાણી છોડવામાં આવે તો કપરાડા, વાપી અને ઉમરગામ તાલુકાના 13 ગામ અસરગ્રસ્ત થાય છે. જેમાં કપરાડા તાલુકામાં મેઘવાળ, વાપી તાલુકામાં લવાછા, ડુંગરા, ચણોદ, આમધા, કુંતા અને ચંડોર જ્યારે ઉમરગામ તાલુકામાં કચીગામ, બોડીગામ, મોહનગામ, જંબુરી, અચ્છારી અને વલવાડાનો સમાવેશ થાય છે.જો અઢી લાખ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવે તો ગામ લોકોને હાઈ એલર્ટ કરવામાં આવે છે. જ્યારે સાડા ત્રણ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવે તો સ્થળાંતર કરવામાં આવે છે.
હાલ મધુબન ડેમમાંથી 10 દરવાજા ખુલ્લા છે. સાંજે 5 વાગ્યે ડેમમાં 42088 કયુસેક ઈનફ્લો અને 47851 કયુસેક આઉટફલો હતું.તા. 24 જુલાઈની રાત્રિ અને 25 જુલાઈના રોજ અતિ ભારે વરસાદની આગાહી હોવાથી રેડ એલર્ટ દરમિયાન ઓવરટેપિંગના કારણે જે રસ્તા બંધ છે તેના પરથી અવરજવર ન કરે અને નીચાણવાળા વિસ્તારમાં ન જાય તે માટે રાખવા જણાવાયું છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ માહિતી નિયામક ઉમેશભાઈ બાવીસા, ડિઝાસ્ટર મામલતદાર નફીસાબેન શેખ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિસ્ટ્રીક્ટ પ્રોગામ ઓફિસર જયવીરસિંહ રાઓલ, નાયબ મામલતદાર ખ્યાતિ દેસાઈ તેમજ જિલ્લા માહિતી કચેરીની ટીમ અને જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં કરાયેલા વિવિધ સૂચનો…..
જિલ્લા કલેકટરશ્રીએ જાહેરનામામાં જણાવ્યું કે,
(1) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલી તમામ નદી, નાળા નહેર, ચેકડેમ તથા તેનો નીચાણ વાળો વિસ્તાર જળાશયો, કોઝ-વે તથા નાના-મોટા ધોધ જેવા પાણીનું ભારે વહેણ ધરાવતાં ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓએ ન્હાવા જવા, કપડા ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવો નહી તેમજ તે માટે મદદગારી કરવી નહી.
(2) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલ તમામ દરિયા કિનારાએ ભરતીના સમયે તથા ચોમાસાની ઋતુ દરમિયાન ઊંચા મોજાં ઉછળતા હોવાથી કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓએ ન્હાવા જવા દરિયાના પાણીમાં પ્રવેશ કરવો નહી તેમજ દરિયા કિનારે જોખમી રીતે ઉભા રહેવું નહી.
(3) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલ તમામ કોઝ વે ઉપર પાણીનું વહેણ ચાલુ હોય ત્યારે કોઈ વ્યક્તિએ જાતે અથવા વાહન સાથે કોઝ-વે ઉપરથી પસાર થવું નહી. ઉપરના તમામ ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ/કેમેરામાં ફોટા/સેલ્ફી લેવાં નહી.
આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ માહિતી નિયામક ઉમેશભાઈ બાવીસા, ડિઝાસ્ટર મામલતદાર નફીસાબેન શેખ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિસ્ટ્રીક્ટ પ્રોગામ ઓફિસર જયવીરસિંહ રાઓલ, નાયબ મામલતદાર ખ્યાતિ દેસાઈ તેમજ જિલ્લા માહિતી કચેરીની ટીમ અને જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.