Friday, October 18News That Matters

ઉમરગામના દેહરી ગામે યોજાયેલ ગ્રામસભામાં ચંદન સ્ટીલના સૂચિત વિસ્તરણ પ્રોજેકટ સામે વિરોધ…? ગામલોકોએ કંપની પર પર્યાવરણ સંદર્ભે કર્યા ગંભીર આક્ષેપ…!

ઉમરગામ GIDC-દહેરી સ્થિત ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીએ પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી છે. ત્યારે, કંપનીના મેટલર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ પરિયોજનાની લોકસુનાવણી પહેલા દેહરી ગામના લોકોએ વિરોધ શરૂ કર્યો છે. આ અંગે ગામમાં યોજાયેલ ગ્રામસભામાં ગામલોકોએ મેસર્સ ચંદન સ્ટીલ (યુનિટ-6) દ્વારા જાહેર કરેલ પરીયોજનાના પ્રોજેકટ કેટેગરી “એ” લોકસુનાવણી અંર્તગત વાંધા અરજી મુકતી એક એક નકલ જે તે વિભાગને મોકલી છે. કંપની સામે પર્યાવરણીય સમસ્યાને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે.આ અંગે મળતી વિગતો મુજબ ગામના જાગૃત નાગરિકે મંગળવારે ગ્રામ પંચાયત દેહરીમાં યોજાયેલ ગ્રામસભામાં ગામલોકોની સર્વ સંમતિથી ગામના સરપંચ/તલાટી કમ મંત્રીને રજુઆત કરતા અરજીની કોપી સુપ્રત કરી છે. જેમાં જણાવ્યું છે કે, મેસર્સ ચંદન સ્ટીલ (યુનિટ-6) દ્વારા જાહેર કરેલ મેટલર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ ની વિવિધ એમ.ટી.પી.એ. ના વિસ્તરણ સામે અમારી દહેરી ગ્રામ પંચાયત નાં વતની હોવાનાં કારણે તથા ખેડૂત હોવાનાં કારણે સખત વિરોધ છે. 

અરજીમાં આક્ષેપ કરાયો છે કે, ઉપરોકત કંપનીમાંથી નિકળતો ઝેરયુકત ધુમાડો ગામ દેહરી માટે તથા વર્ષોથી વસાવટ કરતા અલગ અલગ જાતિના 8 થી 10 હજાર લોકો માટે નુકસાનકારક છે. ગામમાં આવેલ ખેતી જેમાં બાગાયત તથા કયારી અને જરાયતને નુકસાન થઈ રહ્યું છે. જેથી કંપનીના વિસ્તરણ પ્રોજેક્ટનો અમે સખત વિરોધ દર્શાવીએ છીએ,

ગામલોકોએ વધુમાં ઉમેર્યું છે કે આ કંપનીનો હાલે સર્વે નંબર અંદાજે 258 જુનો સર્વે નંબર છે. જેમાં હાલ રાત્રીનાં સમયે નોઈઝ પોલ્યુશન હેઠળ કામ ચાલે છે, રાત્રીથી મળસ્કે સવાર સુધી થતા અવાજથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જેથી કંપનીને તેના વિસ્તરણ પ્રોજેકટની મંજુરી આપવામાં આવે નહિ જો આપવામાં આવશે તો ગામલોકો ગાંધીચિંધ્યા માર્ગ તેનો વિરોધ કરશે.

પંચાયત દેહરી, તેમજ વલસાડ કલેકટર, DDO, TDO, GPCB ને મોકલેલ અરજીની કોપીમાં ગામલોકોએ એવું પણ જણાવ્યું છે કે, જાણવા મળેલ મુજબ મે. ચંદન સ્ટીલ કંપની સર્વે નં. 102/3 વિગેરે માં પોતાની માલીકી દર્શાવે છે, જેમાં પોતે ખોદકામ કરી ખરાબ નિકળતુ કેમીકલ યુક્ત પાણી તથા ખરાબ કચરો જમીનમાં જ દાટી દઈ જમીનની ફળદ્રુપતાને તથા પાણીનાં સ્ત્રોતને ખરાબ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, મેસર્સ ચંદન સ્ટીલ (યુનિટ-6) દ્વારા સર્વે નં.102/3, P1, P2, P3, P4, 2208, ગામ દેહરી, તા. ઉમરગામ, જી.વલસાડ ખાતે પ્રસ્તાવિત ‘મેટલર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ’- (1) એસએસ રાઉન્ડ બાર્સ, એંગલ્સ અને ચેનલ્સ માટે રોલીંગ મીલ- 36,000 MTPA થી 60,000 MTPA, (2) એસએસ રાઉન્ડ બાર્સ, એંગલ્સ અને ચેનલ્સ માટે ક્લિન્ડ રોલ્ડ – 36,000 MTPA થી 60,000 MTPA, (3) સ્ટેનલેસ સ્ટીલ બિલેટ્સ (ઈગોટ્સ) – 2,40000 MTPA અને (4) પિગ એલોક કેક – 6000 MTPA ના વિસ્તરણ માટેની પરીયોજના પ્રોજેક્ટ કેટેગરી ‘એ’ અંતર્ગત તેઓની અરજી અન્વયે પર્યાવરણીય લોકસુનાવણી આયોજીત કરવામાં આવી છે.

લોકસુનાવણીની તા. 02/08/2024 ના રોજ 11:00 કલાકે, સ્થળ મેસર્સ ચંદન સ્ટીલ (યુનિટ-7), પ્લોટ નં.142 જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એરીયા, ઉમરગામ, ખાતે આયોજીત કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *