Friday, January 10News That Matters

સરીગામના રાજેશ રાઠોડ સામે જમીન પચાવી પાડવાની ફરિયાદ બાદ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

સરીગામ ના માહ્યાવંશી ફળિયામાં રહેતા રાજેશભાઇ ભગવાનભાઈ રાઠોડ અને યોગીની રાજેશભાઈ રાઠોડ વિરુદ્ધ ભિલાડ-સેલવાસ રહેતા અરવિંદભાઈ શંકરભાઇ પંચાલે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો અધિનિયમ હેઠળ ફરિયાદ કરતા વલસાડ પોલીસે રાજેશ રાઠોડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ સરીગામ માહ્યાવંશી ફળિયામાં રહેતા રાજેશભાઈ ભગવાનભાઇ રાઠોડ તથા યોગીની રાજેશ રાઠોડ બન્નેએ ભેગા મળી એકબીજાની મદદગારીમાં ઉમરગામ તાલુકાના કરમબેલા ગામ ખાતે અરવિંદભાઈ પંચાલની જમીનને ખોટી રીતે પચાવી પાડી પોતાની માલીકી ખોટી રીતે પ્રસ્થાપિત કરી હતી. તેમજ જમીનમાં લોખંડની કેબીન તેમજ નોટીસ બોર્ડ લગાડી દઇ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો.જે અંગે જમીનના મૂળ માલિક અરવિંદભાઈ પંચાલે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ઉપરાંત વાપી DYSP ઓફિસ, વલસાડ જિલ્લા પોલીસવડા કચેરીએ અને વલસાડ કલેકટર કચેરીએ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ કરી હતી. જે અનુસંધાને લેન્ડ ગ્રેબીંગ એકટની ફરીયાદ આધારે રાજેશભાઇ ભગવાનભાઇ રાઠોડ તથા તેમની પત્ની યોગીનીબેન રાજેશભાઇ રાઠોડની વિરૂદ્ધમાં વલસાડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે જમીનના મૂળ માલીકની જમીનમાં કોઇ પણ પ્રકારની સરકારની મંજુરી કે સહમતી વિના ગેરકાયદેસર રીતે કેબીન તથા બોર્ડ લગાવી જમીન પચાવી પાડી કબજો કરનાર સરીગામ ના રાજેશભાઇ ભગવાનભાઈ રાઠોડ ઉપરાંત વાપી માં નોટિફાઇડ વિસ્તારમાં એક ફ્લેટ પચાવી પાડનાર પવન ઉર્ફે પરેશ ઠાકોરભાઇ પટેલ સામે પણ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરી તેની પણ ધરપકડ કરી છે.જે અંગે મળતી વિગત મુજબ વાપી ગુંજન વિસ્તારમાં આવેલ સૌરભ સોસાયટીમાં રહેતા નિરુબેન નરેશભાઈ રાયઠુઠાએ વાપી GIDC માં ફરિયાદ નોંધાવી હતી કે, LIG-1 ક્વાર્ટરમાં તેમની માલિકીનું મકાન છે. જેમાં પવન ઉર્ફે પરેશ ઠાકોરભાઇ પટેલ ગેરકાયદેસર રીતે મૂળ માલિકની જાણ બહાર રહેવા લાગ્યો હતો. અને તેનું ભાડું ચૂકવતો નહોતો તેમજ મકાન ખાલી કરતો નહોતો. જે અંગેની ફરિયાદ બાદ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધી પવન ઉર્ફે પરેશ ઠાકોરભાઇ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, સરીગામમાં રાશી લેબર યુનિયન, રાશી લેબર સર્વિસ, રાશી લેન્ડ ડેવલોપર્સ, રાશી એન્જીનીયરીંગ વર્કસના નામની પેઢીઓ ધરાવતા અને હાલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં પોલીસે જેની ધરપકડ કરી છે તે રાજેશ રાઠોડ સામે નોંધાયેલ આ એક કેસ બાદ અન્ય વધુ કેટલાક લોકો પણ ફરિયાદ નોંધાવી શકે છે. સુત્રોનું માનીએ તો રાજેશ રાઠોડે ઉમરગામ તાલુકામાં અન્ય કેટલાક જમીન માલિકોની જમીન પણ પચાવી પાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *