વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા નજીક ઢેકુખાડી પાસે એક ખાનગી લકઝરી બસ પલ્ટી મારી ગઈ હતી. બસ પલ્ટી મારી જતા બસમાં સવાર 47 જેટલા મુસાફરો પૈકી 8 થી 10 મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.ઘટના અંગે મળતી વિગતો મુજબ સંજાણ થી વેરાવળ રૂટ પર ચાલતી ન્યુ જય જલારામ નામની GJ04-AT-9072 નંબરની બસ ઢેકુખાડી પાસે પલ્ટી મારી ગઈ હતી. બસ ઉમરગામના મરોલીથી ઓખા જતી હતી. આ બસમાં મોટાભાગના મુસાફરો ખલાસીઓ હતાં. જેઓ માછીમારી ના સામાન સાથે બસમાં સવાર થયા હતાં. કુલ મળીને ખાનગી લક્ઝરી બસમાં 47 મુસાફરો હતા. બસ પલ્ટી ત્યારે તે પૈકીના 8 થી 10 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.
હાલ વરસાદી માહોલ હોય ખતલવાડા નજીક ટર્નિંગ પર ટર્ન મારતા સમયે બસ પલ્ટી મારી ગઈ હતી. જેની જાણ આસપાસના લોકોને થતા તેઓ બચાવ માટે દોડ્યા હતાં. ઘટનાની જાણકારી પોલીસ ને થતા પોલીસની એક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતાં. જ્યારે બસ ને ફરી સીધી કરવા સહિત ની કામગીરી હાથ ધરાઈ હતી.