વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલ પારડી હોસ્પિટલ અને વલસાડ ખાતે આવેલ ઝેનિથ ડોકટર હાઉસ-આદર્શ હોસ્પિટલમાં હવે લીવર, કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાબિટીસ સર્જરી, થોરાસીસ સર્જરી માટે નું નિદાન કરાવી શકે તેવા ઉદેશ્ય સાથે મુંબઈની વૉકહાર્ટ હોસ્પિટલે ટાઈ અપ કરી વૉક હાર્ટ ના નિષ્ણાત તબીબોની ઉપસ્થિતિ સાથેના OPD સેન્ટરની શુભ શરૂઆત કરી છે. જે અંગે પારડી હોસ્પિટલ ખાતે વૉક હાર્ટ હોસ્પિટલ ના CEO ડૉ. વીરેન્દ્ર ચૌહાણ અને પારડી હોસ્પિટલ ના વડા ડૉ. એમ. એમ. કુરેશીએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી.વલસાડ જિલ્લામાં 2 અગ્રણી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD)ના ઉદ્ઘાટનની જાહેરાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રયાસથી વલસાડ જિલ્લાના દર્દીઓને અદ્યતન તબીબી સેવાઓના નિદાન અંગેનું યોગ્ય માર્ગદર્શન મળી રહેશે અને વહેલી તકે સારવારનો લાભ પ્રાપ્ત કરી શકશે.
સુપર સ્પેશિયાલિટી ઓપીડીમાં વૉક હાર્ટ મુંબઈ સાથે સંકળાયેલ દેશના જાણીતા તબીબો દર મહિનાના ચોક્કસ દિવસે આ બને સ્થળે આવશે. નજીવા દરે OPD માં દર્દીઓ ને જરૂરી નિદાન બાદ માર્ગદર્શન આપશે. જેમાં મુખ્યત્વે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે વૉકહાર્ટ હોસ્પિટલ્સના સિનિયર કન્સલ્ટન્ટ – લિવર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ તેમજ સાઉથ એશિયન લિવર ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક એવા પ્રોફેસર ડૉ. ટોમ ચેરીયન અને તેમની ટીમના જાણીતા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉ. શુભમ જૈન પોતાનું માર્ગદર્શન આપશે.
કિડની ટ્રાન્સપ્લાન્ટ અને રેનલ સબંધિત માર્ગદર્શન જાણીતા નેફ્રોલોજિસ્ટ ડૉ. નિખિલ ભસીન આપશે. કાર્ડિયોવેસ્ક્યુલર અને થોરાસિક સર્જરી પ્રખ્યાત કાર્ડિયાક થોરાસિક સર્જન ડૉ. ગુલશન રોહરા આ સ્પેશિયાલિટી OPD માં માર્ગદર્શન આપશે. ડાયાબિટીસ માટે અગ્રણી બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જન, ડો. રમણ ગોયલ આ ક્ષેત્રના નિષ્ણાત તબીબ છે. ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી: ઇમેજિંગ ટેક્નોલૉજી અને મિનિમલી ઇનવેઝીવ પ્રોસિઝર્સમાં ડૉ. ધારવ ખેરડિયા માર્ગદર્શન આપશે. ફંક્શનલ ન્યુરોસર્જન: ન્યુરોલોજિકલ ડિસઓર્ડર માટે જાણીતા ન્યુરોસર્જન ડૉ. મનીષ બલ્દીયા દર્દીઓને ઉપયોગી માર્ગદર્શન આપશે.
વધુમાં આ અંગે પારડી હોસ્પિટલ ના ડૉ. એમ.એમ. કુરેશીએ જણાવ્યું હતું કે, “લિવર, કિડની, કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, ડાયાબિટીસ, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી અને ફંક્શનલ ન્યુરોસર્જરી માટે વિશિષ્ટ ઓપીડી સેવાઓ શરૂ કરીને, અમે વલસાડ જિલ્લાના દર્દીઓના આરોગ્યની સારસંભાળની વધુ નજીક આવ્યા છીએ. આ સુવિધાઓ જિલ્લાના રહેવાસીઓની આરોગ્ય માટેની વધતી જતી જરૂરિયાતોને પૂરી કરીને જરૂરી પ્રારંભિક નિદાન અને અદ્યતન સારવારના વિકલ્પો પ્રદાન કરશે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ અને વાપી જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રદૂષણ, જીવનશૈલીમાં બદલાવ અને વધતા દીર્ઘકાલીન રોગને કારણે લિવર, કિડની, કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, ડાયાબિટીસ અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી માટે વિશિષ્ટ ઓપીડી સેવાઓની અત્યંત આવશ્યકતા છે. આરોગ્યની સારસંભાળ માટેની વર્તમાન સુવિધાઓ આ માંગણીઓને પૂરી કરવા માટે અપર્યાપ્ત છે. વિશિષ્ટ ઓપીડી સેવાઓનું વિસ્તરણ, નિયમિત આરોગ્ય શિબિરોનું આયોજન અને જનજાગૃતિ વધારવી એ આ વિસ્તારોમાં વહેલા નિદાન, સારવાર અને આરોગ્ય માટેના એકંદર પરિણામોને સુધારવા માટે મહત્વપૂર્ણ છે. જેમાં, સુપર સ્પેશિયાલિટી ઓપીડીની સ્થાપના અનેકગણી ફાયદાકારક રહેશે.