વલસાડ LCB એ રાજસ્થાનની આંતરરાજ્ય ઘરફોડ ચોરીમાં નામચીન 6 ઘરફોડ ચોરને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા તમામ ઘરફોડ ચોર સામે વલસાડમાં 3 ગુન્હા સહિત સમગ્ર ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાં અનેક ગુન્હા નોંધાયેલ છે. પકડાયેલ ટોળકી વલસાડમાં ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપે તે પહેલાં LCB એ ઘાતક હથિયારો, ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી. કે, વલસાડ LCB ના સ્ટાફને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની સ્વીફટ કાર નં.RJ36-CB-2537 માં છ જેટલા શંકાસ્પદ ધાડપાડુ ગેંગના ઇસમો ચોરી કરવાના સાધનો સાથે બગવાડા વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યા છે.આ બાતમી આધારે અને આ ચોર ટોળકી કોઈ ગુન્હાને અંજામ આપે તે પહેલાં LCB PI ઉત્સવ બારોટની રાહબરી હેઠળ બે ટીમો બનાવી શંકાસ્પદ ધાડપાડુ ગેંગના ઇસમોને પકડી પાડ્યા હતાં. જેમના કબ્જામાંથી આધારપુરાવા વગરના સોના ચાંદીના દાગીના તથા ચોરી લુંટ કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યાં હતાં. પકડાયેલ ટોળકીના સભ્યોની પુછપરછ કરતા તેઓ બગવાડા વિસ્તારમાં કોઇ બંગલામાં ધાડ પાડી લુંટ કરવાના ઇરાદાથી આવ્યા હતાં. જે દરમ્યાન ઘરના માણસોને બંધક બનાવી હથિયારો વડે ડરાવી ધમકાવી ધાડ પાડવાનો પ્લાન બનાવેલ હતો. જેઓને દબોચી લઈ તમામ વિરુદ્ધ પારડી પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.જો કે, પ્રાથમિક વિગતો મેળવતા જાણવા મળ્યુ છે કે, પકડાયેલ ઘરફોડ ચોર એવા (1) દિનેશ જગદિશ પ્રસાદ ગોપીલાલ માલી (2) ગોવીંદ કિશનલાલ જગનાથ મેધવાલ (3) રાજેન્દ્ર રૂગનાથ જાષી બાવરી (4) ધનરાજ કૈલાશ ભવરલાલજી બલાઈ (5) કાળુ લાલરામ બાવરી (6) મુકેશ મોહનલાલ કેશારામજી મેઘવાલ તમામ મૂળ રહેવાસી રાજસ્થાનના છે. અને ઘરફોડ ચોરીના રીઢા ગુનેગાર છે. જેમની પાસેથી પોલીસે 6,40,506 રૂપિયાના 88.960 ગ્રામના સોનાના અલગ અલગ દાગીના, 45,324 રૂપિયા ના ચાંદીના દાગીના 5 લાખની કાર, 10,960 રૂપિયા રોકડા, 20 હજારની કિંમતના 4 મોબાઈલ, લુંટ કરવાના સાધનો જેવા કે લોખંડનો સળીયા, પરાય, ડીશમીશ, ટોર્ચ, બાંધવાની દોરી અન્ય સાધનો મળી કુલ 12,20,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજસ્થાનથી ગુજરાતના વલસાડમાં ચોરીના ઇરાદે આવેલ આ ટોળકી સામે પારડી, વલસાડ પોલીસ મથકમાં ગુન્હા નોંધાયેલ છે. પકડાયેલ આરોપી દિનેશ જગદિશપ્રસાદ માલી તથા નહીં પકડાયેલ આરોપી અંકુશ યાદવે વલસાડના દિપમંગલ સોસાયટી વિસ્તારમાં આવેલ એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરેલ હતો. તો, કચ્છ જીલ્લાના ગાગોદર પો.સ્ટે. હદ વિસ્તારમાં આવેલ ઇન્દ્રાવાસ ચિત્રોડ ગામના એક ઘરમાં બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડા રૂ. 1,67,000 તથા 4,08,800 રૂપિયાના સોના ચાંદીના દાગીના મળી કુલ્લ 5,75,800 રૂપિયાની ઘરફોડ ચોરી કરી હતી.
એ ઉપરાંત આ ચોર ટોળકીએ સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા પો.સ્ટે. હદ વિસ્તારમાં આવેલ એક ઘરમાં પ્રવેશી રોકડા અને સોના ચાંદીના દાગીના મળી કુલ 1,95,000ની ચોરી કરી હતી. અન્ય ગુન્હામાં આ ચોર ટોળકીએ બનાસકાંઠાના પાલનપુર રાધનપુરના ગ્રામ્ય વિસ્તારમાં, આજથી આશરે પંદરેક દિવસ પહેલા કર્ણાટક રાજયના બેંગ્લોર વિસ્તારમાં દશેક દિવસ પહેલા મધ્યપ્રદેશના રતલામ વિસ્તારમાં પણ ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસની વાત કરતા જિલ્લા પોલીસવડા ડૉ. કારણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, દિનેશ જગદિશપ્રસાદ ગોપીલાલ માલી અગાઉ રાજસ્થાનના ભીલારા પો.સ્ટે.માં ત્રીપલ મર્ડર સહિત ઘરફોડ ચોરીના મળી કુલ 10 જેટલા ગુનામાં પકડાયેલ છે. ગોવીંદ કિશનલાલ જગનાથ મેધવાલ રાજસ્થાન માં 7 ગુન્હામાં પકડાયેલ છે. મુકેશ મોહનલાલ કેશારામજી મેઘવાલ રાજસ્થાનમાં 40 થી વધુ ફોર વ્હીલર ચોરીના અને 6 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS)ની સુચના અન્વયે તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા (IPS)ના સીધા સુપરવિઝન હેઠળ તથા બી. એન. દવે નાયબ પોલીસ અધિક્ષક, વાપીના માર્ગદર્શન મુજબ LCB PI ઉત્સવ બારોટે ઘરફોડ ચોરીના ગુનાઓ બનતા અટકાવાવ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સૂચના આપી હતી. જે દરમ્યાન LCBના અ.હે.કો. સહદેવસિંહ રાઠોડ તથા અ.પો.કો. કુલદીપસિંહ ઝાલાની સંયુકત બાતમી આધારે LCB PSI જે. બી. ધનેશા, PSI જે.એન.સોલંકી, PSI એમ. કે. ભીંગરાડીયા, PSI જે. જી. વસાવા, તથા LCB સ્ટાફના ASI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કન્સ્ટેબલે ટીમ વર્કથી કામગીરી કરી આ રીઢા 6 ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.