Tuesday, October 22News That Matters

વલસાડ SP કરણરાજ વાઘેલાએ સાયબર ક્રાઈમથી જાગૃત રહેવા જનતાને કરી અપીલ, જાણો…! સાયબર ક્રાઇમના ભેજાબાજોની મોડ્સ ઓપરેન્ડી 

વલસાડ જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાએ વાપીમાં DYSP ઓફિસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરી દેશમાં વધતા સાયબર ક્રાઈમ ફ્રોડ બાબતે જનતા જોગ સંદેશ આપ્યો હતો. તેમજ વલસાડ જિલ્લામાં એક વર્ષમાં 1.30 કરોડ રૂપિયા ભોગ બનનારાઓને પરત અપાવ્યા હોવાનું જણાવ્યું હતું.વલસાડ જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાએ આ અંગે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ અત્યારે મોબાઇલમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. એના કારણે ધીરે-ધીરે સાયબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. પહેલાના જમાનામાં વાહન ચોરી, ઘરફોડ ચોરી થતી હતી. જેની મોડ્સ ઓપરેન્ડી હવે બંધ કરી આવા ભેજાબાજો સાઇબર ક્રાઇમની અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી દ્વારા કરોડો અને અબજો રૂપિયાનું દૈનિક ફ્રોડ કરી રહ્યા છે.

સમગ્ર દુનિયામાં અને ગુજરાત જેવા રાજ્યમાં સાયબર ક્રાઇમના દ્વારા જે ફ્રોડ થઈ રહ્યા છે એનાથી ગુજરાત રાજ્ય અને ગુજરાતના લોકોમાં જાગૃતિ આવે, આવા સાયબર ક્રાઇમથી લોકો સચેત રહે તે જરૂરી છે. ત્યારે, આવા સાયબર ફ્રોડ બાબતે જનતાને જાગૃત કરવા મીડિયા સાથે આ વાર્તાલાપ યોજાયો હતો.

સાયબર ફ્રોડ અંગે SP કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે માટે મોટેભાગે મોબાઈલ ફોન માં આવતી અલગ અલગ એપ્લિકેશન યુઝ કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. આવા સાયબર ક્રાઈમ અંગે ભોગ બનનાર વહેલી તકે ફરિયાદ કરી શકે એ માટે વલસાડ જિલ્લામાં SP કચેરીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે.ઘણા બધા કિસ્સાઓમાં 1930 આ ટોલ ફ્રી નંબર પર કોલ કરવાથી ગયેલા પૈસા પાછા અપાવવામાં સફળતા મળી છે. વલસાડ જિલ્લા પોલીસે એક વર્ષમાં સાયબર ક્રાઈમ થકી ગયેલા એક કરોડ 30 લાખ જેટલા રૂપિયા લોકોને પાછા અપાવ્યા છે. જેથી આવા ભોગ બનનારાઓએ એ સમય અંગે જાગૃત રહી શરૂઆતના એક કલાકમાં જ 1930 પર ફરિયાદ આપવા અનુરોધ કર્યો હતો.

સાયબર ક્રાઈમ ફ્રોડમાં બેન્કિંગ રિલેટેડ અલગ અલગ મોટા ફ્રોડ થઈ રહ્યા છે. જેમ કે, બેન્કનો KYC અપડેટ કરવાના બહાને, બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ એક્સપાયર થવાના બહાને, બિલ પેન્ડિંગ છે તે ભરવાના બહાને, કોઈ લીક મોકલી તેને ખોલવાથી પૈસા મળશે કે અન્ય લોભ લાલચ આપવી, OTP માંગવા જેવી અનેક મોડ્સ ઓપરેન્ડી આમાં સામેલ છે. જેનાથી દરેક નાગરિકે હંમેશા સતર્ક રહેવું જરૂરી છે.

SP એ જણાવ્યું હતું કે, આપના મોબાઇલમાં કયારે પણ ઇ-મેલમાં કોઈ બેંક ડિટેલ્સ માંગે કે તેવી લિંક પર ક્લિક કરવા જણાવે તો તે અનુસરવાનું ટાળો, નહિ તો ડાયરેક્ટ તમારા પૈસા બેંકમાંથી કપાઈ જાય છે. 

આ ઉપરાંત સોશ્યલ મીડિયાના અલગ અલગ હેન્ડલ્સ જેવા કે, ટ્વીટર, facebook, whatsapp છે એના દ્વારા એના ઉપર અલગ અલગ લિંક મોકલીને પણ ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. આવી લિંક ક્લિક કરતાની સાથે જ મોબાઈલ નો તમામ ડેટા હેક કરી લેવામાં આવે છે. ડેટા હેક કર્યા પછી આપના કોન્ટેક્ટ લિસ્ટના તમામ લોકો પાસે પૈસા માંગવામાં આવે છે. આ ફ્રોડ ઘણી મોટી હસ્તીઓ, મોટી સેલિબ્રિટી સાથે થયા છે. જેમાં અલગ અલગ લોકોએ પોતાના મિત્રને પૈસાની જરૂર છે એવા મેસેજ વાંચી પાંચ લાખ, દસ લાખ, 20 લાખ સુધીની રકમ ગુમાવી છે.

વધુ એક સાયબર ક્રાઈમ વિડિઓ કોલ ના મારફતે કરવામાં આવે છે. જેમાં whatsapp વિડીયો કોલ કરીને અથવા instagram વિડીયો કોલ કરીને સામે ન્યુડ એક વ્યક્તિ આવે છે. જે તેની સાથેનો વિડિઓ એના ફ્રેન્ડ લિસ્ટમાં એના facebook કોન્ટેક લીસ્ટમાં એના whatsapp કોન્ટેક લિસ્ટ માં લોકોને મોકલવાનો ડર બતાવીને બ્લેકમેલ કરીને એની પાસે પૈસા માંગે છે. આવા કિસ્સાઓમાં ઘણા લોકો સમાજમાં પોતાની બદનામી થવાના ડરથી આગળ આવતા નથી અને એ લોકો આવા ભેજાબાજ નો શિકાર બને છે.

કેટલાક લોકો સાથે ઈમેલના માધ્યમથી ફ્રોડ કરવામાં આવે છે. જેમાં ઈમેલ મોકલી ઇનામ લાગ્યું હોવાનું કે, કેબીસીમાં આપનું નામ નોમિનેશન થયું છે. આપને મોટી લોટરી લાગી છે એવા ઈમેલ પર લિંક મોકલી ફ્રોડ આચરાય છે. જેમાં ક્યારેક નોકરી કે અન્ય બહાને જે તે વ્યક્તિનો ડેટા લઈ તેના આધારે છેતરપીંડી કરવામાં આવી રહી છે. જેમાં ઘર બેઠા 15000ની નોકરી મળવાની છે તેવી લાલચ આપી અમુક રકમ ભરવાનું કહીને કે ક્યારેક આ ડેટા સાથે ફોટો લઈ બ્લેક મેઈલ કરવામાં આવે છે.

આવા અનેક ફ્રોડમાં વલસાડની જનતા પણ ભોગ બની છે. જેથી આ જાગૃતિ સમાજમાં આવે તે જરૂરી છે. વલસાડ પોલીસ આ અંગે સતત જાગૃતિ અભિયાન ચલાવે છે. ગણેશ મંડળોમાં જઇ સાયબર ક્રાઈમ પર લોકોને જાગૃત કરે છે. આવા કોઈપણ પ્રકારના સાયબર ક્રાઈમનો કોઈપણ વ્યક્તિ ભોગ બને તો તાત્કાલિક શરૂઆતના એક કલાકની અંદર જ સાયબર ક્રાઇમના ટોલ ફ્રી નંબર 1930 પર જાણ કરી ફરિયાદ આપવા વલસાડ જિલ્લા પોલીસવડા એ અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *