વાપીમાં રવિવારે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજની અદ્યતન સમાજ વાડીનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહા રક્તદાન કેમ્પ, ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને લોકડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. આ અંગે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના સેક્રેટરી ભવલેશ કોટડીયાએ જણાવ્યું હતું કે આ ટ્રસ્ટમાં નાનુભાઈ બાંભરોલીયા છેલ્લા 18 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે. તેની સાથે તેઓ પણ છેલ્લા 18 વર્ષથી સેક્રેટરી તરીકેની સેવા આપી રહ્યા છે. જેઓની એક નેમ હતી કે વાપીમાં એક અધ્યતન સુવિધાવાળું ભવન બનાવવામાં આવે. જે સમાજના દાતાઓનો સહયોગ મળતા આ ઉદ્દેશ્ય આજે પરિપૂર્ણ થયું છે.આ સમાજવાડી ફુલ્લી એર કન્ડિશન છે. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે. તેમજ લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગોએ ઉપયોગમાં લઈ શકાય તેઓ વિશાળ AC હોલની છે. આ સંસ્થા વર્ષોથી નવરાત્રી જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. 9મી જૂન 2024ના રવિવારે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે આ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવનમાં રિઝનેબલ ભાડામાં દરેક સમાજના લોકો માટે હોલની સગવડ પૂરી પાડવામાં આવશે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આ ભવનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા ટ્રસ્ટી પરેશ અંટાળાએ જણાવ્યું હતું કે, ભવનના લોકાર્પણ સાથે અહીં મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર રક્તદાતાઓને રક્તદાન કરવા અપીલ કરી હતી. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. 250 થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા હતાં. એ ઉપરાંત ફ્રી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો પણ લાભ લોકોએ લીધો હતો. આ અનેરા પ્રસંગે વિદ્યાર્થીઓનું સન્માન, ટ્રસ્ટી મંડળના સભ્યો નું સન્માન અને ભવ્ય લોક ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું છે. લોક ડાયરામાં ગુજરાતના જાણીતા ગાયક કલાકારો હિતેશ અંટાળા, ગોપી પટેલ, ઋષભ અગ્રવાત, જય કવિ નો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના ભવનના લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો તેમજ અન્ય સમાજના આમંત્રિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ આ અદ્યતન સમાજ વાડી ને નિહાળી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યો, ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતાં.