દમણના નમો પથ પર મોડી રાત્રી દરમ્યાન હરિયાણા પાર્સિંગની એક કારના સનરુફ પર પીળા કલરની ટીશર્ટ પહેરેલ યુવાન ચાલુ કારે ઉભો રહી જોખમ ભર્યા સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. યુવાન જ્યારે સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે પાછળથી આવતી કારમાં સવાર એક જાગૃત નાગરિકે સ્ટંટનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે, આ વિડિયો હાલનો છે કે પછી અગાઉનો એની પુષ્ટિ થવા પામી નથી.
દમણ પ્રશાસન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિદેશના દરિયા કિનારા ની તુલના કરી શકાય એવા નયનરમ્ય નમો પથ અને મોટી દમણ લાઈટ હાઉસ થી જામપોર દરિયા કિનારા સુધી રામસેતુ રસ્તા નું નિર્માણ કર્યા બાદ સહેલાણીઓ અને પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
સારો એવો વિકાસ થયા બાદ ઘણી ખરી હિન્દી ફિલ્મ અને ટીવી સિરીયલ ના શુટીંગ પણ થઈ રહ્યા છે. સાથે લોકો પોતાના અલગ અલગ રીલ અને વિડિયોગ્રાફી ની સાથે ફોટોગ્રાફીનો પણ આનંદ ઉઠાવી રહ્યા છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી આની એક ગંભીર અને વિપરીત અસર પણ જોવા મળી રહી છે. જેમાં આજના યુવા વર્ગ સોશિયલ મીડિયામાં છવાઈ જવા અને પોતાના ફોલોઅર્સની સંખ્યા બમણી કરવા કાર સહિત અન્ય વાહનો પર જોખમ ભર્યા સ્ટંટ સાથેની રીલ પણ બનાવી રહ્યા છે.
આવો જ એક કિસ્સો ફરી દમણમાં જોવા મળ્યો છે. દમણમાં અગાઉ પણ આજ પ્રમાણે બાઈક અને કાર પર રીલ બનાવવાના ચક્કરમાં લોકોના જીવ સાથે ચેડા કરી યુવાધન જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા છે. ત્યારે હવે દમણ પોલીસ દિવસની સાથે જો રાત્રી દરમિયાન નમો પથ ની સાથે મોટી દમણ રામસેતુ રસ્તા પર પેટ્રોલિંગ કાર્ય સઘન બનાવી આવા લુખ્ખા તત્વો સામે કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
કોઈ મોટી દુર્ઘટના ઘટે અને કોઈ નિર્દોષ પર્યટક આવા સ્ટંટ કરનાર ના પાપે પોતાનો જીવ ખોઈ બેસે એ પહેલા દમણ પોલીસ હવે સફાળે જાગી વિવિધ સ્થળો પર પેટ્રોલિંગ કાર્ય સઘન બનાવે એ હવે જરૂરી બન્યું છે.
ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દમણએ એક પર્યટન સ્થળ તરીકે જાણીતું છે. અહીં ખાણીપીણી અને દારૂ બિયરની મોજ મસ્તી ઉડાવવા ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદ સહિત મહારાષ્ટ્ર અને મુંબઈના પર્યટકો મોટી સંખ્યામાં રજાના દિવસો તથા વીકએન્ડમાં આવતા જતા હોય છે.