Sunday, December 22News That Matters

ડુંગરા બાદ કચીગામ રોડ પર પણ અંદાજીત 10 ભંગારના ગોડાઉનમાં ફાયર સેફટી મામલે ક્ષતિઓ સામે આવતા તંત્રએ બંધ કરાવ્યા

રાજકોટની ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્રના આદેશથી વાપીમાં ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમેં તમામ રહેણાંક અને વેપારી સંસ્થાઓ ઉપરાંત ભંગારના ગોદામમાં ફાયર સેફ્ટીની તપાસ શરૂ કરી છે. જે અંતર્ગત ડુંગરામાં 50 ગોદામને બંધ કરાવ્યા બાદ શુક્રવારે કચીગામ રોડ પર આવેલ વધુ 10 ગોદામ માં તપાસ કરી હતી. આ તમામ ગોદામ માં પણ ફાયર સેફટી મામલે NOC લેવામાં આવી નથી. તેમજ ફાયરના સાધનોનો પણ અભાવ જોવા મળતા તમામ 10 ભંગારના ગોડાઉનને બંધ કરવાનો આદેશ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.

આ અંગે મળતી વિગતો મુજબ શુક્રવારે કચીગામ રોડ ઉપર આવેલા ભંગારના આશરે 10 જેટલા ભંગારના ગોડાઉનમાં ડેપ્યુટી મામલતદાર દ્વારા પોલીસ ટીમને અને અન્ય કર્મચારીઓને સાથે રાખી તપાસ હાથ ધરાઈ હતી. તમામ ગોડાઉન ફાયર સેફ્ટી વગર ચાલતા હોવાનું સામે આવ્યું હતું. જેથી તાત્કાલિક અસરથી તમામ ને બંધ કરાવવામાં આવ્યા હતાં. આ બંધ કરવામાં આવેલ ગોડાઉન પરવાનગી વગર નહીં ચલાવવા આદેશ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ડુંગરાના ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર સેફ્ટી માટે NOC સહિતના સાધનો કોઈની પાસે ન હતા.  જેને જોતા તાત્કાલિક 50 જેટલા કચરાના ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યા હતા.  કચીગામ રોડ અને ડુંગરી ફળિયામાં વસ્તીવાળા વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં જ્વલનશીલ કચરો ભરેલ હતો. છતાં પણ સંચાલકોએ સુરક્ષા અંગે કોઈ ગંભીરતા દાખવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *