વાપી GIDC માં 3rd ફેઇઝમાં આવેલ બાયર ક્રોપ સાયન્સ કંપનીની બસને ચીખલી ના બલવાડા નજીક અકસ્માત નડતાં બસમાં સવાર 14 કર્મચારીઓને નાનીમોટી ઈજાઓ થઈ છે. અકસ્માતની ઘટનામાં ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ નેશનલ હાઇવે નં. 48 પર ચીખલીના બલવાડા ગામ પાસે બસ અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટના શનિવારે સવારે 07:45 વાગ્યા આસપાસ બલવાડા ગામ પાસે સાઈ ક્રિષ્ણા હોટલ નજીક બની હતી. જેમાં વલસાડ થી સુરત તરફ જતો ટેમ્પો ડીવાઈડર કૂદી વાપી તરફ આવતી બાયર કંપનીના કર્મચારીઓ ભરેલ GJ 15-AV-7886 નંબરની ખાનગી બસ સાથે અથડાયો હતો.
અકસ્માતમાં બસના ચાલક અને કર્મચારીઓ ઘાયલ થયા હતા. તો, સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક પણ ઘાયલ થયો હતો. જેને વલસાડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બસ ના ચાલક અને કંપનીના ઘાયલ કર્મચારીઓને સામાન્ય ઈજા થતા ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ખાનગી હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ હાલ 14 લોકો સારવાર હેઠળ છે. જે પૈકીના બેથી ત્રણ લોકોને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની જાણ થતા ચીખલી પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થતા પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. તેમજ અક્સ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.