Friday, January 31News That Matters

વાપીમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિની ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભીમ સૈનિકો રહ્યા ઉપસ્થિત

વાપીમાં 14 મી એપ્રિલે બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ વિશાળ રેલી ચણોદ થી નીકળી વાપીના વિવિધ વિસ્તારોમાં ફરી ત્રીનેત્ર સર્કલ ચણોદ ખાતે સંપન્ન થઈ હતી.

બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 14 એપ્રિલ 2024 ના રોજ 133મી જન્મ જયંતિ હતી. આ જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. બાબા સાહેબ આંબેડકર, સમ્રાટ અશોકા મહાત્મા જ્યોતિબા ફુલે સંયુક્ત સમિતિ વાપી ના નેજા હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં નીકળેલી શોભાયાત્રાનું ડો. બાબા સાહેબ આંબેડકર નગર સાગર ફળિયા ચણોદ થી પ્રસ્થાન થયું હતું.

ધજા પતાકા સાથેની આ શોભાયાત્રામાં ભીમરથ, ડીજે, ઢોલ નગારા તેમજ રમાઈ મહિલા બ્રિગેડની લેઝીમ પથક સામેલ કરાઈ હતી. જેણે શહેરીજનોમાં આકર્ષણ ઉભું કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી શોભાયાત્રા ત્રીનેત્ર સર્કલ પર પહોંચી ત્યારે ત્યાં ત્રણેય મહાનુભાવોની પ્રતિમા પર ભારે ફુલવર્ષા કરવામાં આવી હતી. શોભાયાત્રા માં જોડાયેલ ભીમ સૈનિકોએ પ્રતિમા ને વંદન કર્યા હતાં. અનેક લોકોએ આ પ્રસંગને યાદગાર સંભારણા તરીકે સાચવવા મોબાઈલ કેમેરામાં આ ક્ષણને કેદ કરી હતી.

ત્રીનેત્ર સર્કલથી આ શોભયાત્રા ભડકમોરા, ચાર રસ્તા, ઈમરાનગર, ગાંધીજીની પ્રતિમા કોપરલી રોડ થઈને ગુંજન વંદે માતરમ ચોક, અંબામાતા મંદિર, મોરારજી સર્કલ, પ્રાઈમ હોટલ, વિશાલ મેગા માર્ટ થી VIA હોલ ચાર રસ્તા થઈ મોડી સાંજે ફરી ત્રીનેત્ર સર્કલ પર પહોંચી હતી. જ્યાં સંપન્ન થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આ રેલીનું ઠેર ઠેર વિવિધ સમાજના આગેવાનો દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ રેલીમાં જોડાયેલ તમામ લોકો માટે ઠંડા પીણા, પાણી, નાસ્તાની અને રાત્રે ભોજનની વ્યવસ્થા વિવિધ સામાજિક સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. રેલીમાં તમામ સામાજિક સંગઠનના મુખ્ય મહેમાનો સહિત મોટી સંખ્યામાં ભીમ સૈનિકો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *