વાપી નજીક સેલવાસ રોડ પર આવેલ ડુંગરા ના દેસાઈ વાડમાં રવિવારે બપોરે ભીષણ આગની ઘટના બની હતી. આ વિસ્તારમાં આવેલ એક બેકરીમાં સૌપ્રથમ આગ લાગી હતી. જે આગ પ્રસરતા નજીકના લાકડાના ગોડાઉનને ભડકે બાળ્યું હતું. વિકરાળ આગની જ્વાળામાં લાખોના લાકડા બળી ને ખાખ થયા હતાં. આગની જાણકારી વાપી નોટિફાઇડ ફાયરને મળતા ઘટના સ્થળે જઇ બે કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
વાપી નજીક આવેલ ડુંગરા વિસ્તારના દેસાઈવાડ માં જામાં મસ્જિદ નજીક મિર્ઝા અલીમુલ્લાહના નેશનલ ટ્રેડર્સ નામના લાકડાના ગોડાઉનમાં રવિવારે બપોરે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. આગને બુઝાવવા તાત્કાલિક વાપી નોટિફાઇડ ફાયરને જાણ કરાઈ હતી. ફાયરના જવાનો તાત્કાલિક લાયબંબા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
જોકે આગ વિકરાળ હોય પાણીના મારાથી કાબુમાં આવી નહોતી. જેથી તાત્કાલિક નોટિફાઇડના અન્ય ફાયરને તેમજ ખાનગી ઇન્ડસ્ટ્રીઝ અને વાપી નગરપાલિકા ફાયરને જાણ કરી વધુ કુમક મંગાવાઈ હતી. વિકરાળ આગ લાકડાના ગોડાઉન ઉપરાંત નજીકના અન્ય એક ગોડાઉન અને બેકરીમાં લાગી હતી. આગને કારણે વિકરાળ જ્વાળા ઉપરાંત ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતાં. જેમાં લાકડાના ગોડાઉન માલિકનો મોટાભાગનો લાકડાનો જથ્થો અને મશીનરી બળી ને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, 2 ગોડાઉન અને એક બેકરીમાં લાગેલી આગને બુઝાવવા પહોંચેલ નોટિફાઇડ ફાયરના જવાનોએ લગભગ 2 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ સૌ પ્રથમ નજીકમાં આવેલ એક બેકરીમાં લાગી હતી. જે બાદ તે પ્રસરી હતી અને તેમાં લાકડાનું ગોડાઉન પણ ચપેટમાં આવી ગયું હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું હતું. તો, આગની ઘટના દરમ્યાન વાપી-સેલવાસ રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી. જેને GIDC, ડુંગરા પોલીસ મથકના કર્મચારીઓએ તેમજ જિલ્લા ટ્રાફિક શાખાની ટીમે સમયસૂચકતા વાપરી યથાવત કરી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.