Thursday, December 26News That Matters

ગુજરાત-દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર સરહદ પર 2.9 રિકટર સ્કેલનો ભૂકંપ, સેલવાસનું નરોલી એપિસેન્ટર

વલસાડ :- ગુજરાત-દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર સરહદે ફરી 2.9 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. સોમવારે રાત્રે 09:03 વાગ્યે નોંધાયેલ આંચકાનું એપી સેન્ટર દાદરા નગર હવેલીનું નરોલી છે. ભૂકંપ ના આંચકાની અસર મહારાષ્ટ્રના પાલઘર સહિત વલસાડ જિલ્લાના-ઉમરગામ તાલુકામાં વર્તાઈ હતી.

વલસાડ જિલ્લામાં અને મહારાષ્ટ્રનો સરહદી જિલ્લો પાલઘર તેમજ દાદરા નગર હવેલીમાં ચોમાસા દરમ્યાન જમીનમાં સળવળાટ થાય છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ સરહદી વિસ્તારમાં અનેક નાનામોટા ભૂકંપના આંચકા નોંધાતા આવ્યાં છે. ત્યારે, સોમવારે ફરી એક વાર આ વિસ્તારમાં 2.9 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
ભૂકંપના આંચકા અંગે સિસ્મોલોજી વિભાગ દ્વારા જાહેર કરેલ વિગતો મુજબ સોમવારે રાત્રે 09:03 વાગ્યે આ આંચકો આવ્યો હતો. આંચકા નું કેન્દ્રબિંદુ વાપીથી 19 કિલોમીટર દૂર દાદરા નગર હવેલીના નારોલી ગામમાં નોંધાયું છે.
ગુજરાત-દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્ર સરહદ પર નરોલી-પાલઘર-ઉમરગામમાં આ ભૂકંપનો અનુભવ લોકોએ કર્યો હતો. ભૂકંપ 20.270 Latitude અને 72.926 Longitude પર જમીનમાં 10 કિલોમીટર નીચે ઉદ્દભવ્યો હતો.
ભૂકંપના આંચકા દરમ્યાન નરોલી, ભિલાડ, ઉમરગામમાં લોકોએ ધ્રુજારી સાથે બારી, બારણાં, વાસણ ખખડવાનો અનુભવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલમાં આ વિસ્તારમાં જમીનમાં પાણી ઉતરે છે. ત્યારે જમીનમાં રહેલા ગરમ પાણીના ઝરાને કારણે વર્ષ 2018થી અનેક વાર આ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાતા આવ્યાં છે. અત્યાર સુધીમાં 1 થી લઈને 4 રિકટર સ્કેલ સુધીના આવા 2200થી વધુ આફ્ટર શૉક આવી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *