Friday, October 18News That Matters

તડગામ-મરોલી વિસ્તારમાં કોપર કેબલ અને સબમર્સિબલ પમ્પ-મોટરની ચોરી કરનારી ગેંગનો પોલીસને પડકાર…!

ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી કોપર કેબલ અને મોટર ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો છે. આ વિસ્તારમાં કોસ્ટલ હાઇવે પર આવેલ મરોલી, તડગામ, નારગોલ જેવા ગામોની વાડીઓમાં ખેડૂતોએ લગાવેલ સબમર્સિબલ પમ્પ-મોટરની અને તેના કેબલની સતત ચોરી થઈ છે. આ અંગે કેટલાક વાડી માલિકોએ પોલીસ મથકમાં લેખિત જાણકારી આપી છે. તેમ છતાં આ ઘટના અટકી નથી. ચોર ગેંગ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય તેમ આ વિસ્તારમાં કોપર કેબલ અને સબમર્સિબલ પમ્પ-મોટરની ચોરી યથાવત રહી છે.

ઉમરગામ તાલુકાના મરોલી-નારગોલ કોસ્ટલ હાઈવે પર સતત કેબલ (કોપર) અને મોટરોની ચોરી થઈ રહી છે. કોસ્ટલ હાઈવે પર મરોલીના સરકારી આરોગ્ય કેન્દ્રમાં થોડા દિવસો પહેલા મોટર અને કેબલ ચોરીની ઘટના બની હતી. તો, એ ઉપરાંત તડગામ ખાતે સર્વે નંબર 953 પર આવેલ જે. બી. જાદવ ફાર્મમાંથી પણ અંદાજિત 20 હજારની કિંમતની મોટર અને 100 ફૂટ કેબલની ચોરી થઈ હતી. ઘટના અંગે ફાર્મના માલિક જયંતીભાઈ બાવાભાઈ જાદવે મરીન પોલીસ મથક નારગોલમાં જાણવાજોગ નોંધ આપી છે.

જે અંગે વધુ મળતી વિગતો મુજબ તડગામ ખાતે આવેલ ટાવર નજીક જે. બી. જાદવ ફાર્મ આવેલું છે. જે ફાર્મ માં ગત 3જી એપ્રિલે રાત્રે ચોર ટોળકી ત્રાટકી હતી. આ ચોર ટોળકીએ ફાર્મમાં ખેતીવાડી માટે લગાવેલ પાણીના બોરિંગમાંથી સબમર્સિબલ પમ્પની અને 100 ફૂટ જેટલા કોપર કેબલની ચોરી કરી હતી. આ પ્રકારે આ વિસ્તારમાં સતત કોઈ એક ગેંગ આ ચોરી કરી રહી છે. જેથી ભોગ બનનાર ફાર્મ માલિકે મરીન પોલીસ મથક દ્વારા કોસ્ટલ હાઈવે પર નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ઉમરગામ તાલુકાના નારગોલ કોસ્ટલ હાઇવે પર છેલ્લા એક સપ્તાહમાં આવી મોટર અને કેબલ ચોરીની ઘટનાઓ બની છે. કોપર કેબલ અને મોટર ચોરી કરતી ગેંગે આ વિસ્તારમાં તરખાટ મચાવ્યો છે. જેને કારણે ફાર્મ માલિકોમાં ગભરાટ નો માહોલ છે. વાડી માલિકોએ પોલીસ મથકમાં લેખિત જાણકારી આપી છે. તેમ છતાં આ ઘટનાઓ અટકી નથી. ચોર ગેંગ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય તેમ આ વિસ્તારમાં કોપર કેબલ અને સબમર્સિબલ પમ્પ-મોટરની ચોરી યથાવત રહી છે. પોલીસ જલ્દી મોટર ચોર ગેંગને ઝડપી પાડી ખેડૂતોને આર્થિક નુક્સાનીમાંથી રાહત અપાવે તેવી આશા સેવાય રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *