Friday, December 27News That Matters

વાપીમાં ઇફતાર પાર્ટીનું કરાયું આયોજન, રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ રહ્યા ઉપસ્થિત

હાલમાં મુસ્લિમ સમાજનો રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે રોજેદારોને ઇફતાર કરાવવા વાપીમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 500 જેટલા રોજેદારોને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, VIA પ્રમુખ સતીશ પટેલ સહિત મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી ઇફતાર કરાવી હતી.

વાપીમાં ડુંગરા વિસ્તારમાં આવેલ દાવત પાર્ટી પ્લોટ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના મુસ્લિમ સમાજના અગ્રણી મોહમદ ઈશા (બબલુભાઈ), કલીમ ભાઈ, હારુન ભાઈ દ્વારા આયોજિત આ ઇફતાર પાર્ટીમાં રાજ્યના નાણાપ્રધાન અને આ વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી સૌને ઇફતારી કરાવી હતી.

આ અંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો એવો જિલ્લો છે. જ્યાં કોમી એકતા, કોમી સમરસતા હંમેશા જળવાઈ રહી છે. આ વિસ્તાર ઉદ્યોગિક વિસ્તાર હોય અહીં દરેક જાતિના લોકો ધંધા રોજગાર માટે સ્થાયી થયા છે. જેથી દરેક કોમ એકબીજા સાથે હળી મળીને રહે છે રમજાન મહિનામાં આજે અહીં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સમરસતા જોવા મળી હતી.

ઇફતાર પાર્ટીનું આયોજન કરનાર મોહમદ ઇશાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 10 વરસથી રમઝાન મહિનામાં ઇફતાર પાર્ટીનું આયોજન કરતા આવ્યાં છે. જેમાં દર વર્ષે કનુભાઈ દેસાઈને આમંત્રણ આપવામાં આવે છે. અને તે તેમનો કિંમતી સમય કાઢીને ઉપસ્થિત રહે છે. આજની આ ઇફતાર પાર્ટીમાં ડુંગરા, ડુંગરી ફળિયા, ચણોદ વિસ્તાર સહિત વાપીના અંદાજિત 500થી વધુ હીન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રોજેદારોને રોઝા ખોલાવ્યા હતાં.

પવિત્ર રમઝાન મહિનામાં રોઝા રહ્યા બાદ સાંજે આ ઇફતાર પાર્ટીમાં રોઝા ખોલવા આવેલા યુવાન સાહિલ શેખે જણાવ્યું હતું કે, તે છેલ્લા 5 વર્ષથી આ ઇફતાર પાર્ટીમાં આવી રોઝા ખોલે છે. દર વર્ષે અહીં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે છે. આ ઇફતાર પાર્ટીમાં દેશના બંધારણની અને વિવિધતા માં એકતા ના દર્શન થાય છે. દરેક કોમના લોકોમાં રહેલી એકતા અને ભાઈચારો જોવા મળે છે. જે દેશના વિકાસમાં અને દરેક ક્ષેત્રમાં પોતાનો સહયોગ આપવાનો સંદેશ આપે છે.

ઉલ્લેખનીય છે કે, દાવત પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ ઇફતાર પાર્ટીમાં નાણાપ્રધાન ઉપરાંત વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ સતીશ પટેલ, વાપી નગરપાલિકા ના કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, SBVB ના ડિરેકટર દર્પણ દેસાઈ સહિત સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *