Thursday, December 26News That Matters

પ્રસિદ્ધિની લ્હાયમાં અલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પહોંચી જતી પાટકર એન્ડ મંડળી આપી રહી છે કોરોનાને આમંત્રણ

વલસાડ :- વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ ઘટયા છે. જ્યારે બીજી તરફ ત્રીજી લહેર ત્રાટકવાની તૈયારીમાં છે. ત્યારે જેમ બીજી લહેર નેતાઓના પાપે ગંભીર બની હતી. તેવી જ રીતે ત્રીજી લહેરમાં પણ નેતાઓના કાર્યક્રમો મુખ્ય વિલન બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. એક તરફ સરકાર માસ્ક પહેરવા, વેકસીન લેવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી રહી છે. તો બીજી તરફ તેમના જ પ્રસિદ્ધિ ભૂખ્યા મંત્રીઓ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે. 
વલસાડ જિલ્લામાં હાલ કોરોના હળવો થયા બાદ આદિજાતિ વિકાસ અને વન મંત્રી રમણલાલ પાટકર સતત જિલ્લાના અલગ અલગ ગામમાં પ્રવાસ કરી રહ્યાં છે. એક નેતાએ કેવા કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવું જોઈએ? કોરોનાને ધ્યાનમાં રાખી કેટલું સાવચેત રહેવું જોઈએ તેની રતીભાર ગતાગમ નહિ ધરાવતા પાટકર પ્રસિદ્ધિની લ્હાયમાં અલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પોતાની મંડળી સાથે પહોંચી જાય છે. અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે.
કોરોનાને આમંત્રણ આપતા આવા જ પ્રવાસ અંતર્ગત પાટકર એન્ડ મંડળી સોમવારે વાપી નગરપાલિકાના ડુંગરા તેમજ ચણોદ વિસ્‍તારમાં  વૃક્ષારોપણના શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં પહોંચી હતી. જેમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતા ફોટા પડાવ્યા હતાં. વળી આ ફોટાઓ માહિતી ખાતા મારફતે જે તે અખબારો, સોશ્યલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે મોકલ્યા હતાં.
પાટકરે ડુંગરા ખાતે પ્રાથમિક શાળા, ભવાની મંદિર તેમજ ઝેડ.એચ.શાહ સાર્વજનિક હાઇસ્‍કુલ, પીડીલાઇટ ગાર્ડન, વિનર્સ અંગ્રેજી માધ્‍યમ શાળા-ચાણોદ વગેરે સ્‍થળોએ વૃક્ષારોપણ કર્યું હતું. અને સરકારની વિકાસની ગાથાનું ગાણું ગાયું હતું. પરંતુ તેમની સાથે આવેલા તેમના ખાસમ ખાસ કહેવાતા માણસો સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં અને કરાવવાનું ભાન ભૂલ્યા હતાં.
આ કાર્યક્રમમાં તેમની સાથે રાબેતા મુજબ ફોટો પડાવવા આગળ ઉભા રહી જતા મહેશ ભટ્ટ, હિતેશ સુરતી, પરેશભાઈ દેસાઈ, શિલ્‍પેશ દેસાઈ ચણોદ જિલ્લા/તાલુકા પંચાયત સભ્‍યો અને નગરજનો ઉપસ્‍થિત રહયા હતા. ત્યારે, આવા સામાન્ય કાર્યક્રમ માં પણ પહોંચી 4 ઝાડ લગાવી ફોટા પડાવતા મંત્રી અને તેની મંડળી જો આ રીતે જ વર્તતી રહેશે તો વલસાડ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર આ મહાનુભાવોના પાપે આવશે તે ચોક્કસ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *