સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના હવા પ્રદુષણ અંગે રોજેરોજના આવતા આંકડા મુજબ વાપીમાં 29મી ફેબ્રુઆરીએ AQI (એર ક્વોલીટી ઇન્ડેક્સ) 310 પર પહોંચ્યા બાદ દિવસના અંતે 293 પર સ્થિર રહ્યો હોવાનો રિપોર્ટ રજૂ કરાયો હતો. જો કે હકીકતે તે આંક ટેક્નિકલ ખામીના કારણે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને GPCB દ્વારા પર્યાવરણ બાબતે સતત સતર્કતા દાખવવામાં આવતી હોય 1 જાન્યુઆરી 2024થી 31 માર્ચ 2024 દરમ્યાનના રિપોર્ટમાં AQI મહત્તમ 182 જ્યારે લઘુતમ 98 વચ્ચે જાળવવામાં આવ્યો છે.
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા દેશના 240 સેન્ટરમાં હવા-પાણીની ગુણવત્તા ચકાસવા ખાસ મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે. હવાનું પ્રદુષણ માપવા ખાસ ઓટોમેટિક મશીન લગાડવામાં આવ્યા છે. જેમાં AQI ને PP (પ્રોમિનન્ટ પોલ્યુટન્ટ) pm2.5,ને ખરાબથી અતિ ખરાબ ગણવામાં આવે છે. જ્યારે PP pm10ને આદર્શ માનવામાં આવે છે. જે મુજબ વાપીમાં 31મી માર્ચના AQI 98 રહ્યો હતો. જે PM10 હેઠળ આદર્શ સંતોષકારક હતો.
જો કે, 29 ફેબ્રુઆરી 2024ના pm2.5 અને AQI શરૂઆતમાં 310 સુધી નોંધાયા બાદ અંતે 293 પર સ્થિર રહ્યો હોવાનો રિપોર્ટ CPCB એ નોંધ્યો હતો. જે અંગે તાત્કાલિક વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા તપાસ હાથ ધરી હતી. આ અંગે વાપી VIA ના પ્રમુખ સતીશ પટેલના જણાવ્યા મુજબ હકીકતે તે દિવસે ટેક્નિકલ ખામીના કારણે AQI 293 નોંધાયો હતો. જેના બીજા દિવસે AQI માત્ર 155 હતો. જ્યારે તેના આગલા એક સપ્તાહ માં પણ AQI તેનાથી પણ નીચે રહ્યો હતો. પાછલા 3 મહિનામાં AQI હંમેશા 182 થી નીચે રહ્યો છે. જે માટે તેઓ સતત કાળજી લઈ રહ્યા છે. જેના પરિણામે 31મી માર્ચે સૌથી નીચો AQI 98-pm10 રહ્યો હતો. જે વાપીમાં હવાની ગુણવત્તા ખૂબ જ સારી હોવાનું પ્રમાણ આપે છે.
VIA ના જણાવ્યા મુજબ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની વાપી શાખા અને VIA (વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન) પર્યાવરણ બાબતે સતત સજાગ રહે છે. લોકોનો ભરોસો કાયમ રહે તે માટે તંત્ર સાથે સંકલન સાધી વાપીના હવા, પાણી પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. વાપી GIDC સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે ગોઠવવામાં આવેલા એર ક્વોલીટી ઓન લાઈન રીડીંગ મશીનમાં ખામી ના સર્જાય તે માટે એલર્ટ રહે છે. કેમ કે, વાપીનો AQI ઓનલાઇન ઉપલબ્ધ હોવાથી ઘણા લોકો તેની નોંધ લેતા હોય છે. એર પોલ્યુશન રીડીંગ મશીન દ્વારા દર્શાવતા પ્રદૂષણના પ્રમાણથી લોકોમાં દહેશતનું વાતાવરણ સર્જાય નહિ એવી તકેદારી રખાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, (AQI) હવાની ગુણવત્તા કુલ 6 કેટેગરીમાં માપવામાં આવે છે. જેમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ (AQI) જો 1 થી 50 સુધી હોય તો તેને સારી કેટેગરી ગણવામાં આવે છે. 50 થી 100 AQI ને સંતોષકારક ગણાય છે, 100 થી 150 AQI હોય તો તે મધ્યમ ગણાય છે. વાપીનો AQI એ પ્રમાણે ખૂબ જ સંતોષકારક છે.