ઉમરગામ તાલુકાના પાલી ડુંગરપાડા ખાતે પૂર્વ સરપંચના પુત્રોએ જૂની અદાવતમાં 3 વ્યક્તિઓ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી છે. ધુળેટીના દિવસે બનેલી આ ઘટના બાદ ભિલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે હુમલો કરનાર ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય અને પાલી ડુંગરપાડાના પૂર્વ સરપંચ ભીલાસ વારલીના પુત્રો મોનાગ વિલાસ વારલી, અભય સંજય વારલી દિવ્યેશ નવીન વારલીએ તારીખ 25/3/24ના ધુળેટીની રાત્રે આ હુમલો કર્યો છે. જેઓએ ફરિયાદીના ભાઈની દીકરીના લગ્ન પ્રસંગે ઘર આંગણે બાંધેલા મંડપને લાકડી મારી હતી. જે બાબતે તેને ટોકતા ત્રણેયે ફરિયાદી અને તેની પુત્રી-જમાઈ પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી છે.
3 વ્યક્તિઓને ઘાયલ કરનાર અભયે બાઈક ઉપરથી ઉતરી ફરિયાદી દિલીપભાઈને ઢીક્કા મુક્કી નો માર માર્યો હતો. જેને બચાવવા વચ્ચે પડેલા જમાઈ અને પુત્રીને પણ વિલાસ વરલીના પુત્ર મોનાગ અને દિવ્યેશ વારલીએ ગાળો આપી હાથમાં પહેરેલા કડા વડે માથા, હાથ અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જે અંગે ઇજાગ્રસ્ત દિલીપ મોતીભાઈ વારલીએ ભીલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ ત્રણેય ઈસમોને ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ઘટના અંગે ફરિયાદીના જણાવ્યા મુજબ પૂર્વ સરપંચ વિલાસ વારલી ગામની અને ખાસ કરીને ફોરેસ્ટ વિભાગની માટી અને લાકડા ચોરી કરવાના ષડયંત્રમાં સામેલ હોવા અંગે તેમણે સંબંધીત વિભાગોમાં લેખિત ફરિયાદ કરી છે. જેની અંગત અદાવત રાખી તેમના પુત્રોએ આ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.