Friday, January 31News That Matters

ભારે વરસાદમાં સરીગામ GIDC ની કંપનીએ તાણી દીધેલી દીવાલને કારણે સરઈના ઘરોમાં પાણી ભરાયા લોકોએ ઘર બહાર આશરો લેવો પડ્યો

વલસાડ :- રવિવારે વરસેલા ભારે વરસાદમાં સરીગામ GIDCમાં આવેલ JBF કંપનીએ તાણી દીધેલી દીવાલને કારણે સરઈના રાય સાગર ફળિયાના 8 ઘરોમાં પાણી ભરાયા હતાં. લોકોએ ઘર બહાર આશરો લેવો પડ્યો હતો. વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રવિવારે મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. રવિવારે વહેલી સવારના 6 વાગ્યાથી 10 વાગ્યામાં સરેરાશ 9થી 10 ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતાં. જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.

 

ચોમાસાની સિઝન શરૂ થઈ ત્યારથી હાથતાળી આપતા મેઘરાજાએ રવિવારે વલસાડ જિલ્લા પર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પોતાનું હેત વરસાવ્યું હતું. રવિવારે વલસાડ જિલ્લાના વાપીમાં સવારના 06 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 8.94 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉમરગામ તાલુકામાં 4 કલાકમાં 9.93 ઇંચ વરસાદ વરસ્યો હતો. એ ઉપરાંત કપરડામાં 1.42 ઇંચ, ધરમપુર માં 3.52 ઇંચ, પારડીમાં 3.24 ઇંચ અને વલસાડ તાલુકામાં 5.81 ઇંચ વરસાદ વરસ્યો હતો.

જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉમરગામ તાલુકાના ભિલાડ, સરીગામ, સરઇ, ઉમરગામ ટાઉનમાં રસ્તાઓ પર ઘુટણ સમાં પાણી ભરાયા હતાં. કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયા હતાં. સંજાણ નજીક ની ખાડીમાં ઘોડાપુર આવ્યું હતું. રસ્તાઓ પર વરસાદી પાણીમાં અનેક વાહનચાલકો ફસાયા હતાં. તો, સરીગામ GIDCમાં આવેલ JBF કંપનીએ તાણી દીધેલી દીવાલને કારણે સરઈના રાય સાગર ફળિયાના 8 ઘરોમાં પાણી ભરાયા હતાં. લોકોએ ઘર બહાર આશરો લેવો પડ્યો હતો.
 
 
એ જ રીતે વાપીમાં ગુંજન વિસ્તાર સહિત ભડકમોરા, ગીતાનગર, રેલવે ગરનાળામાં પણ ગોઠણ સુધીના પાણી ભરાયા હતાં. વાપીમાં ગાજવીજ સાથે વરસેલા વરસાદે ઔદ્યોગિક વિસ્તારમાં જનજીવનને માઠી અસર પહોંચાડી હતી. 
 
આ તરફ દમણમાં પણ સવારના 8 વાગ્યા સુધીના 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ વરસ્યો છે. દમણમાં બસ સ્ટેશન, ડાભેલ, સોમનાથમાં મુખ્ય માર્ગ પર ડિવાઈડર સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં. એ જ રીતે દાદરા નગર હવેલીના સેલવાસ, ખાનવેલમાં પણ 8 વાગ્યા સુધીના 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા સેલવાસમાં પણ ઠેરઠેર પાણી ભરાવાના બનાવો બન્યા હતાં. 
ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. તો જિલ્લાના નદીનાળા ઉપરાંત સૌથી મોટા ડેમ ગણાતા મધુબન ડેમમાં પણ નવા નીર આવ્યા હતાં. મધુબન ડેમમાં 11454 ક્યુસેક નવા પાણીની આવક થતા ડેમનું લેવલ 69.35 મીટર પર પહોંચ્યું છે. વલસાડ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ખેડૂતો અને શહેરીજનો વરસાદની આતુરતાથી રાહ જોતા હતાં. જે મેઘરાજાએ રવિવારે પુરી કરી સમગ્ર વિસ્તારને તરબોળ કરી દેતા ખેડૂતોમાં પણ ખુશીની હેલી છવાઈ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *