વલસાડ જિલ્લામાં અંદાજિત 3500 જેટલા TB ના દર્દીઓ છે. જેમાંના 200 જેટલા દર્દીઓને વાપીની મુસ્કાન NGO દ્વારા દર મહિને દવા અને જરૂરી પ્રોટીન યુક્ત ખોરાકની રાશન કીટ પુરી પાડવામાં આવે છે. TB જેવા રોગને નાબૂદ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાસ અભિયાન હાથ ધર્યું છે. આગામી 2025 સુધીમાં TB મુક્ત ભારતનો તેમાં સંકલ્પ રહેલો છે. જે માટે ની-ક્ષય મિત્ર યોજના પણ શરૂ કરવામાં આવી છે. જેમાં સહભાગી થવા ફંડની જરૂર હોય મુસ્કાન NGO દ્વારા આગામી 30 મી માર્ચે જાણીતા ભજનિક અને પદ્મશ્રી અનુપ જલોટા નો ભજન સંધ્યા કાર્યક્રમ યોજવામાં આવશે. જે અંગે મુસ્કાન NGO દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો પુરી પાડવામાં આવી હતી.
મુસ્કાન NGO ના ફાઉન્ડર રીમાં કલાણીએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થા વલસાડ જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ બે વર્ષથી કાર્ય કરે છે. આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું છે. જેઓએ વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતનું સપનું જોયું છે. વલસાડ જિલ્લામાં અંદાજિત 3500 જેટલા ટીબીના દર્દીઓ છે. જે પૈકીના 200 જેટલા દર્દીઓને તેમની સંસ્થા વિવિધ દાતાઓના સહકારથી પ્રોટીની યુક્ત કીટ નિશુલ્ક પુરી પાડે છે. આ કાર્યને વધુ સફળ બનાવવા અને જિલ્લાના વધુમાં વધુ દર્દીઓને મદદરૂપ થવા આગામી દિવસોમાં દેશના જાણીતા ભજનીક અને પદ્મશ્રી અનુપ જલોટાનો ભજન સંધ્યા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ થકી જેટલી પણ રકમ ઉપલબ્ધ થશે તે તમામ રકમ TB ના દર્દીઓ પાછળ ખર્ચવામાં આવશે.
વલસાડ જિલ્લામાં મુસ્કાન એનજીઓ દ્વારા વાપી તાલુકાના વિવિધ ગામડાઓ તેમજ કપરાડા ના ગામડાઓમાં જઈને ટીબીના દર્દીઓને રાશન કીટ પૂરી પાડવામાં આવે છે. સામાન્ય રીતે ટીબીના દર્દીઓને સરકાર દ્વારા દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે જે પોષણ આહારની ખરીદી માટે આપવામાં આવે છે. દવાઓ પણ સરકાર તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે. જોકે મોટેભાગે ગરીબ દર્દીઓ પોષણ આહાર ખરીદતા નથી તે પૈસા તેમના પરિવાર પાછળ ખર્ચે છે. એટલે આવા દર્દીઓને દર મહિને પોષણયુક્ત આહાર ની કીટ તેમની સંસ્થા નિઃશુલ્ક પૂરી પાડે છે.
ભારત સરકાર દ્વારા ટીબીના દર્દીઓને સામાન્ય નાગરિકો પણ મદદરૂપ થઈ શકે, દર્દીઓને સમયસર દવા પહોંચાડી શકે, પ્રોટીન યુક્ત ખોરાક પૂરો પાડી શકે તેવા ઉદ્દેશ્યથી ની-ક્ષય મિત્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મુસ્કાન એનજીઓ આ અભિયાનમાં પણ વેગ આપવા અને ટીબીના દર્દીને મદદરૂપ થવા વધુમાં વધુ ની-ક્ષય મિત્રોને જોડી શકે તેનો પ્રચાર પ્રસાર કરી શકે તે માટે જરૂરી ફંડ એકત્ર કરી શકે તેવા ઉદેશથી 30 મી માર્ચે વાપીમાં આવેલ VIA ઓડિટોરિયમમાં અનુપ જલોટા નો ભજન સંધ્યા કાર્યક્રમ યોજવાના છે.