ઉમરગામ કોસ્ટલ હાઈવે પર મામલતદાર કચેરીના નિર્માણ માટે તેમજ ઉમરગામ નગરપાલિકા ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ના નિર્માણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીન ફાળવણી કરાઈ છે. જો કે, અન્ય વિભાગો જેમાં એસટી વિભાગ અને સબ રજીસ્ટર કચેરીના નિર્માણ માટે પણ આ જ જમીન ફાળવણી કરાઈ છે. જેને લઈને અન્ય વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નું કાર્ય અટકાવી હદ નક્કી કરવા ફેર માપણી કાર્યવાહી હાથ ધરવાની બોબત આવી છે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે કુલ 2 હેકટર જેટલી જમીન ફાળવવામાં આવી છે. અહીં STP પ્લાન્ટનો નિર્માણાધીન ભાગ મામલતદાર કચેરીને ફાડવેલ જમીન હદમાં હોવાની રાવ બાદ હદ નક્કી કરવા ડીએલઆરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મામલતદાર કચેરીના નિર્માણ માટે આશરે રૂપિયા 5 કરોડની ફાળવણી કરાઈ છે. જ્યારે STP પ્લાન્ટ નું નિર્માણ કાર્ય લાંબા સમયથી ચાલી રહ્યું છે હવે, હદ બાબતે ગોટાળા સર્જાતા અંતિમ નિર્ણય ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાય તે બાદ જ નિર્માણ કામગીરી આગળ વધારવા નિર્ણય લેવાયો છે. ઉમરગામ નગરપાલિકા ને ફાળવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જમીનમાં એસટી વિભાગ ના પ્રતિનિધિઓ દ્વારા બોર્ડ લગાવવાની કામગીરી થઈ રહી હતી તે દરમિયાન નગરપાલિકા પ્રમુખ મનીષ રાય અને અન્ય પ્રતિનિધિઓ આવી પહોંચ્યા હતા અને 2021 માં ડી એલ આર કચેરી દ્વારા હદ નક્કી કર્યા બાદ નકશો અને દસ્તાવેજો આપ્યા હતા તેને આધાર બનાવી એસટી વિભાગના પ્રતિનિધિઓને બોર્ડ લગાવવાની ના પાડી હતી.
વધુમાં પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે જિલ્લા કક્ષાએથી જમીન ફાળવણી બાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ના નિર્માણ માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આશરે 40 લાખ કરતાં વધુની રકમનો ખર્ચ કરી માટી પુરાણ કર્યું છે જ્યાં હવે એસટી વિભાગ દ્વારા 2022 માં ડીએલ.આર કચેરી દ્વારા એક એકર જમીન તેઓને ફાળવી હોવાનો દાવો કરાયો છે.