Friday, January 31News That Matters

વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે સાયબર ક્રાઈમ હેઠળ લાખોની ઓનલાઈન છેતરપિંડી થતા મચ્યો ખળભળાટ

વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે અમિત કુમાર નામના શખ્સે ટ્રક ભાડાના પૈસા બાબતે 30 લાખ જેટલી માતબર રકમની ઓનલાઈન છેતરપીંડી કરી છે. ઓનલાઈ ફ્રોડ કરનાર શખ્સે ડ્રાઇવર કે ટ્રાન્સપોર્ટરોના એકાઉન્ટ નંબર મંગાવી આ છેતરપિંડી કરી છે. ઓનલાઈન સાયબર ક્રાઇમની ઘટના પ્રકાશમાં આવતા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયેલ તમામ ટ્રાન્સપોર્ટરોમાં ખળભળાટ મચી ગયો છે.

વાપી GIDC અને દમણ, સેલવાસમાં મોટી માત્રામાં ઉદ્યોગો ધમધમતા હોય અહીં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ મહત્વનો ઉદ્યોગ ગણાય છે. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હેઠળ આ ટ્રાન્સપોર્ટરો તેઓની ટ્રક માં વિવિધ પ્રકારની માલસમાનની હેરફેર કરે છે. જો કે, એક શખ્સે હાલ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો, ટ્રક ડ્રાઈવરને ટાર્ગેટ કરી તેમના બેન્ક એકાઉન્ટ ખાલી કરવાની તરકીબ શીખી લીધી છે. ઓનલાઈન પૈસા ખંખેરવાની આ તરકીબ માં વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે લગભગ 30 લાખ રૂપિયાની છેતરપિંડી છેલ્લાં એક મહિનામાં થઈ ચૂકી છે.

આ અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ ભરત ઠક્કરે જણાવ્યું હતું કે, તેમને ટ્રાન્સપોર્ટરોએ આ ફ્રોડ અંગે જણાવ્યા મુજબ અમિત કુમાર નામનો કોઈ શખ્સ છે. જે ટ્રાન્સપોર્ટરો ને ફોન કરી આર્મીના કોઈ અધિકારી નું નામ બોલી તેમનો ઘરસમાન લઈ જવા ટ્રક ભાડે માંગે છે. સાથે જ ટ્રક ડ્રાઈવરનો નંબર લઈ તેને નજીકના કોઈ એકાદ સ્થળે બોલાવવા વાતચીત કરે છે. તેમજ એડવાન્સ પૈસા જમા કરવા એકાઇન્ટ ડિટેઇલ્સ મંગાવે છે. ટ્રક ડ્રાઇવર પોતાના એકાઉન્ટની કે ટ્રાન્સપોર્ટ માલિકની એકાઉન્ટ ડિટેઇલ્સ મોકલે છે. જે બાદ આ શખ્સ એક બારકોડ મોકલે છે. અને તરત જ એકાઉન્ટમાંથી તમામ રકમ ઉપડી જાય છે. આ ઓનલાઈન સાયબર ક્રાઈમ છેલ્લા એક મહિનાથી થઈ રહ્યું છે. જે બાદ એ પૈસાથી જ દેશ વિદેશમાં ઓનલાઈન ખરીદી થાય છે. આ કોઈ મોટી ગેંગ છે જે ટ્રાન્સપોર્ટરો સાથે આ ઓનલાઈન છેતરપીંડી કરી રહી છે.

અમિત કુમાર નામના આ ઠગનો ભોગ બનેલા એક ટ્રક ડ્રાઈવરના માલિક અને શિવસાગર ટ્રાન્સપોર્ટના મોહન ભાનુશાળીએ જણાવ્યું હતું કે, આ શખ્સ મુંબઈ જેવા સ્થળોએથી માલ ભરવો છે કે મોકલવો છે તેવું ફોન પર જણાવે છે. મોટેભાગે તે સેલવાસ નજીકના પીપરિયા વિસ્તારમાં ટ્રક સાથે ડ્રાઈવરને બોલાવવાની વાત કરે છે. સાથે જ એડવાન્સ ભાડું આપવાની વાત કરે છે. ધ્યાનમાં આવેલી વિગતો મુજબ વાપીના અલગ અલગ ટ્રાન્સપોર્ટરોના વિઝિટિંગ કાર્ડ પર પોતાના નામ અને નંબર લખીને એનો પણ ફ્રોડમાં ઉપયોગ કરે છે. આ શખ્સ ટ્રાન્સપોર્ટ લાઈનનો જાણકાર હોય તે રીતે વાતચીત કરે છે. જે બાદ એકાઉન્ટ નંબર મેળવી ઓનલાઈન તમામ પૈસા ઉપાડી લે છે. હાલ આ અંગે વાપી GIDC પોલીસ ને રજુઆત કરી સાયબર ક્રાઈમ માં ફરિયાદ નોંધાવવાની તજવીજ ભોગ બનનાર ટ્રાન્સપોર્ટરો દ્વારા હાથ ધરાય છે.

ટ્રક ભાડાના એડવાન્સ પૈસા આપવાના બહાને બેન્ક એકાઉન્ટ મંગાવી ઓનલાઈન પૈસાની છેતરપીંડી કરતા આ શખ્સ અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના માજી પ્રમુખ અરવિંદ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી ટ્રાન્સપોર્ટરો સાથે ઓનલાઈન છેતરપીંડી કરતા આ શખ્સ નો મોબાઈલ નંબર એકજ છે. જે હાલમાં પણ ચાલુ છે. જેના પર ભોગ બનનાર કોલ કરે છે. તો તે રિસીવ કરતો નથી. અત્યાર સુધીમાં 30 જેટલા ટ્રાન્સપોર્ટરો, ડ્રાઈવરો ના ખાતામાંથી અંદાજિત 30 લાખ જેવી માતબર રકમ સેરવી લીધી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી વાપીના ટ્રાન્સપોર્ટરો સાથે એક ગેંગ દ્વારા આ ઓનલાઈન ફ્રોડ થઈ રહ્યો છે. જેમાં આ ગેંગના ઇસમે અત્યાર સુધીમાં વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અલગ અલગ ટ્રાન્સપોર્ટરો, ટ્રક ડ્રાઇવરોના ખાતામાંથી 30 લાખ જેટલી રકમ ફેરવી લીધી હોય આ ઘટનાને લઇ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તમામ ટ્રાન્સપોર્ટરો, ડ્રાઇવરોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *