વર્ષ 2003માં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે કરજુણ ગામે બાળકોને શિક્ષણ આપવા આદિવાસી મહિલાઓને અપીલ કરી હતી. 21 વર્ષ બાદ ધરમપુર મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું આદિવાસી મહિલાઓએ હાથે બનાવેલી વિવિધ વસ્તુઓ ભેટ આપી અનોખું સ્વાગત કર્યું.
વલસાડના ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ એક દિવસીય મુલાકાતે આવ્યા હતાં. જેઓનું આશ્રમના અગ્રણીઓ અને સાધકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારે, આજથી 2 દાયકા પહેલાં 29મી માર્ચ 2003ના તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ની કપરાડાના કરજુણ ગામની મુલાકાત અને તે મુલાકાત દરમ્યાન કલામે આદિવાસી મહિલાઓ સાથે વાત કરી બાળકોને શિક્ષણ આપવા કરેલી અપીલ બાદ આ બીજું યાદગાર સંભારણું બન્યું છે.
13મી ફેબ્રુઆરી 2024ના મંગળવારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી, રાજચંદ્ર મિશનના ગુરુ રાકેશભાઈ, રાજ્યના મંત્રી, શ્રીમદ્દ રાજચંદ્ર મિશન આશ્રમ ધરમપુરના પ્રમુખ અને ઉપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલો હાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીને અર્પણ કરવામાં આવ્યો હતો. ધરમપુરના આદિવાસી મહિલાઓએ હાથે બનાવેલી સાડી અને હાથે બનાવેલા આભૂષણ ગીફ્ટ હેમ્પરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીને આપવામાં આવ્યા હતા. સ્થાનિક યુવકોએ ડાંગી નૃત્ય વડે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્થાનિક આદિવાસી બાળકોએ શરીર ઉપર વારલી પેન્ટ કરવી આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતું.
મંગળવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂની ધરમપુરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે મિસાઈલ મેન એપીજે અબ્દુલ કલામની વર્ષ 2003ની યાદગાર મુલાકાતને પણ યાદ કરવી આવશ્યક છે. કેમ કે, રાષ્ટ્રપતિ કલામની મુલાકાત વખતે તેઓએ આદિવાસી મહિલાઓ સાથે સંવાદ સાધી બાળકોને શિક્ષિણ આપવા અપીલ કરી હતી. 21 વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીની મુલાકાત પ્રસંગે આવી જ આદિવાસી મહિલાઓએ તેમને અનોખી ભેટ આપી સ્વાગત કર્યું છે.
વર્ષ 2003માં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે વલસાડ જિલ્લાના ધરમપુર ને અડીને આવેલા કપરાડા તાલુકાના કરજુણ ગામની મુલાકાત લીધી હતી. બાયફ દ્વારા કાજુની ખેતી તેમજ નર્સરી સેન્ટર ઉભું કર્યું હોય રાષ્ટ્રપતિ કલામ તેમની મુલાકાતે આવ્યા હતાં. જે સમયે કલામ ત્યાંની સ્થાનિક આદિવાસી મહિલાઓને મળ્યા હતા. અને સંબોધનમાં બાળકોને શિક્ષણ આપવાનો આગ્રહ કર્યો હતો. જ્ઞાનથી જ પ્રગતિ શક્ય છે એ પ્રકારનો સંદેશો આપ્યો હતો.
કરજુણની 2003ની મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે બાયફની નર્સરીમાં કામ કરતી એક આદિવાસી મહિલાને તેના બાળકો શું કરે છે તેઓ સવાલ કર્યો હતો. શિક્ષણની ચિંતા તેમના સવાલમાં હતી. તેમણે બાયફના પુનાના એક મહિલા કર્મચારીની મદદથી અંગ્રેજીમાં સવાલો કરી આદિવાસી મહિલા સાથે સંવાદ કર્યો હતો. મહિલાએ કહ્યું હતું કે તે ભણે છે. તેમણે પૂછ્યું કે આ ગામની સ્કૂલમાં ભણે છે? મહિલાએ જણાવ્યું હતું કે અહીંથી દૂર ધરમપુર તાલુકાના ગામમાં છાત્રાલયમાં રહીને ભણે છે. એટલે કલામે ફરી પૂછ્યું હતું કે કેમ અહીં સ્કૂલ નથી? જવાબમાં મહિલાએ કહ્યું હતું કે અહીં ચાર ધોરણ સુધીની શાળા છે આ સાંભળી તરત જ કલામ સાહેબે કરજુણ ગામની પ્રાથમિક શાળાની વિઝીટ લેવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો.
જો કે, રાષ્ટ્રપતિ કલામ સાહેબની તે વખતની અપીલ 2 દાયકે ફળી છે. તેની પ્રતીતિ 2024ની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીની મુલાકાત દરમ્યાન જોવા મળી હતી. વર્તમાન રાષ્ટ્રપતિની મુલાકાત દરમ્યાન આદિવાસી મહિલાઓએ હાથે બનાવેલી વિવિધ વસ્તુઓ ભેટ આપી અનોખું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિએ રાજ્યના 8 જિલ્લામાંથી પધારેલા આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા શ્રી ધરમપુર તીર્થક્ષેત્ર ખાતે નવનિર્મિત સત્સંગ અને ધ્યાન સંકુલ ‘રાજ સભાગૃહ’ને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ખૂલ્લું મૂક્યું હતું. રાષ્ટ્રપતિએ જૈન સમુદાયની પ્રશંસા કરતા કહ્યું કે, જૈન શબ્દનું મૂળ ‘જિન’ શબ્દમાં છે, જેનો અર્થ વિજેતા એવો થાય છે. વિજેતા તે છે જેણે અનંત જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જે અન્ય લોકોને મોક્ષનો માર્ગ કંડારે છે. શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી ક્ષેત્રમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે. રાષ્ટ્રપતિએ સંસ્થાની સેવાપ્રવૃત્તિઓને બિરદાવી હતી. જાત- પાત, ધર્મ અને વાડાબંધીને સ્થાને સમગ્ર સૃષ્ટિના હિતને સેવામંત્ર ગણાવ્યો હતો
કાર્યક્રમમાં કાર્યરત 250 બહેનો દ્વારા સ્વનિર્મિત અલંકારો, ભરત ગૂંથણની સાડી અને પૌષ્ટિક આહારની ટોપલી રાષ્ટ્રપતિને અર્પણ કરી હતી. આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી ડો.કુબેર ડિંડોર, ઉદ્યોગ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના પ્રમુખ અભયભાઈ જસાણી, મહેશભાઈ ખોખાણી અને દેશવિદેશમાંથી પધારેલા અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા.
હતા.