એક તરફ અયોધ્યામાં ભગવાન રામની રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ ઉત્સવને મહાઉત્સવ બનાવવા અયોધ્યા સહિત સમગ્ર દેશમાં દિવાળી જેવો ઉત્સવ ઉજવાય રહ્યો છે. ત્યારે, વાપી પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ અયોધ્યાના રંગે રંગાયું છે. વાપીની મુખ્ય બજારો સહિત અનેક વિસ્તારો રોશનીથી ઝગમગતા થયા છે. રામભક્તોએ રામના મોટા મોટા પોસ્ટર લગાવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર કેસરી ધજા પતાકા ને કારણે કેસરિયો રંગ ઉભર્યો છે.
22મી જાન્યુઆરી 2024 અયોધ્યા સહિત સમગ્ર ભારત માટે ઐતિહાસિક ક્ષણનો દિવસ છે. આ દિવસે 12 વાગ્યે ઇતિહાસના 500 વર્ષ બાદ ભગવાન રામના નવા બનેલા મંદિરમાં રામની પ્રતિમા બિરાજમાન થશે. 22મી જાન્યુઆરી એ રામ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠ થશે. ત્યારે આ ક્ષણે વધાવવા વાપીમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું અયોજન કરવામાં આવ્યું છે. આ અનોખી ક્ષણના સાક્ષી બનવા વાપીના લોકોએ 21મી જાન્યુઆરીથી જ તૈયારીઓ આરંભી દીધી છે. 22મી જાન્યુઆરી ની પૂર્વ સંધ્યાએ વાપીની બજારોને રોશનીથી શણગારવામાં આવી છે. જાહેર માર્ગ પર કેસરી ધજા પતાકા લગાવવામાં આવી છે. અનેક ઇમારતોમાં ભગવાન રામના મનમોહક પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
વાપીમાં રોશની, પોસ્ટર, સુંદર કાંડ, રામધૂન ના આયોજન ઉપરાંત ધાર્મિક સંસ્થાઓ દ્વારા રેલી, દીપમાળા નું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વાપીવાસીઓમાં રામ મંદિર અને ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રેલી જેવા આયોજનોમાં ભાગ લેવા અનેક રામભક્તોએ કેસરી ઝભ્ભા માં સજ્જ થવા કેસરી પોશાકની ખરીદી કરી છે. ઘર ઘર દવા પ્રગટાવવા દિવડાની ખરીદી કરી છે. ઉલ્લેખનીય છે કે, અંબા માતા મંદિરે 22મી જાન્યુઆરી સાંજે 25000 દીવડા પ્રગટાવી ઉત્સવ ની ઉજવણી કરવામાં આવશે.