એક તરફ અયોધ્યામાં ભગવાન રામની રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે આ ઉત્સવને મહાઉત્સવ બનાવવા વાપીમાં 21મી જાન્યુઆરીથી વાપીના ચલા વિસ્તારમાં આવેલ સૂર્યવંશી મેગા સ્ટોરની સામે સન ગ્રાઉન્ડમાં શ્રીમદભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, પદ્મશ્રી ગફુરભાઈ બીલખિયા, દમણ સાંસદ સહિતના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિ ઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
શ્રી ભાગવત સેવા સમિતિ વાપી દ્વારા આયોજિત આ શ્રીમદભાગવત કથાનું વિજય શાસ્ત્રીજી મહારાજ રસપાન કરાવવાના છે. 21મી જાન્યુઆરી 2024 થી 27 મી જાન્યુઆરી 2024 સુધી ચાલનારી કથાનો પ્રારંભ પોથીયાત્રાથી થયો હતો. કથા સ્થળે પોથીયાત્રા બાદ તેનું પૂજન કરવામાં આવ્યું હતું. વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઇ, પદ્મશ્રી ગફુરભાઈ બીલખિયા, દમણના સાંસદ લાલુભાઇ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, ઉદ્યોગપતિ રમેશ શાહ, વાપી VIA ના પ્રમુખ સતીશ પટેલ, નગરપાલિકાના નગરસેવકો, હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈએ દેસાઈએ કથાના આયોજકોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન રામ ની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી રહી છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ભગવાન રામ પ્રેમ, સદાચાર, સદગુણ ના પ્રતીક મનાય છે. ત્યારે આ કથા થકી લોકો તેમના વિચારો જીવનમાં ઉતારે, સમાજમાં પ્રેમ ભાવના જાળવે એ જ આ કથાનું માહાત્મ્ય છે.
શ્રીમદભાગવત સપ્તાહનું વક્તા વિજય શાસ્ત્રીજી રસપાન કરાવવાના છે. કથાનું સમગ્ર આયોજન નગરપાલિકાના નગરસેવક મંગેશ પટેલ સહિતના સભ્યોએ કર્યું છે. શ્રદ્ધા હોસ્પિટલના ડૉ. વિનય પટેલ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માની અસીમ કૃપાથી વાપી ચલાના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ ગંગા પ્રભાવિત થઈ છે. તો ભગવાનના દિવ્ય ચરિત્રો નું રસપાન કરવા સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કથાના પ્રારંભે પ્રમુખ ગ્રુપના જગદીશભાઈ ભાટુ, સન ક્રિએટર ગ્રુપના લીલાધર ભાનુશાળી, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ સહિતના મહાનુભાવોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કથાનો પ્રારંભ 21 મી જાન્યુઆરી 2024 ના રવિવારના દિવસથી શરૂ થયો હતો. પ્રમુખ સોસાયટીમાંથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સન ગ્રાઉન્ડ ખાતે આયોજિત કથા સ્થળે પોથી યાત્રાના પૂજન બાદ શ્રીમદ ભાગવત મહાત્મ્ય તથા શ્રી સુખદેવજી પરીક્ષિતજી સંવાદથી કથાનો પ્રારંભ થયો હતો. 22મી જાન્યુઆરીએ કપિલોપદેશ, સતી ચરિત્ર અને ધ્રુવ ચરિત્રનું આયોજન છે. મંગળવાર 23 જાન્યુઆરીએ અજા મીલ આખ્યાન, ભરત ચરિત્ર, પ્રહલાદ ચરિત્ર અને શ્રી નૃસિંહ અવતાર ઉજવવામાં આવશે. 24મી જાન્યુઆરી બુધવારે ગજેન્દ્ર મોક્ષ, શ્રી વામન અવતાર, શ્રી રામ જન્મોત્સવ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવાર 25 મી જાન્યુઆરીએ નંદોત્સવ, શ્રીકૃષ્ણ બાળ લીલા, ગોવર્ધન લીલા શુક્રવાર 26 જાન્યુઆરીએ રાસપંચાધ્યાયી, કંસવધ અને રૂક્ષ્મણી વિવાહનું આયોજન છે.
શનિવાર 27મી જાન્યુઆરીએ કથા ને વિરામ અપાસે જે દરમિયાન સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષના પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. આ ભાગવત કથામાં વાપી અને તેના આસપાસના વિસ્તારમાં રહેતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરે તે માટે આયોજક કમિટી દ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.