આગામી 21મી જાન્યુઆરીથી વાપીના ચલા વિસ્તારમાં આવેલ સૂર્યવંશી મેગા સ્ટોરની સામે સન ગ્રાઉન્ડમાં શ્રીમદભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ભાગવત સેવા સમિતિ વાપી દ્વારા આયોજિત આ શ્રીમદભાગવત કથાનું વિજય શાસ્ત્રીજી મહારાજ રસપાન કરાવવાના છે. 21મી જાન્યુઆરી 2024 થી 27 મી જાન્યુઆરી 2024 સુધી ચાલનારી કથાનો પ્રારંભ પોથીયાત્રા થી થશે. જેમાં વાપી અને આસપાસના ગણમાન્ય અતિથિઓને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રીમદભાગવત સપ્તાહ અંગે વક્તા વિજય શાસ્ત્રીજી અને આયોજક કમિટી સાથે સંકળાયેલ ચણોદ ગામના માજી સરપંચ પ્રવીણ પટેલ, નગરપાલિકાના નગરસેવક મંગેશ પટેલ સહિતના સભ્યોએ જણાવ્યું હતું કે, દિપક પટેલ અને શ્રદ્ધા હોસ્પિટલના ડૉ. વિનય પટેલ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માની અસીમ કૃપાથી વાપી ચલાના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ ગંગા પ્રભાવિત થવા જઈ રહી છે. તો ભગવાનના દિવ્ય ચરિત્રો નું રસપાન કરવા સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ ભાગવત સપ્તાહ દરમિયાન સંતો મહંતો, વાપીના જાણીતા ઉદ્યોગકારો, બિલ્ડરો, રાજકીય આગેવાનો, તબીબોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. એ ઉપરાંત કથાના પ્રથમ દિવસે મંગલદીપ પ્રાગટ્ય માટે રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, દમણના સાંસદ લાલુભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીશ પટેલ, પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયા, ઉદ્યોગપતિ રમેશ શાહ, એ. કે. શાહ, વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહ, ઉપ-પ્રમુખ અભય શાહ, પ્રમુખ ગ્રુપના જગદીશભાઈ ભાટુ, રામકથાકાર રવિરામ બાપુ હરિયાણી, સન ક્રિએટર ગ્રુપના લીલાધર ભાનુશાળી, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
કથાનો પ્રારંભ 21 મી જાન્યુઆરી 2024 ના રવિવારના દિવસથી શરૂ થશે. જે પહેલા પ્રમુખ સોસાયટીમાંથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સન ગ્રાઉન્ડ ખાતે આયોજિત કથા સ્થળે પોથી યાત્રાના પૂજન બાદ શ્રીમદ ભાગવત મહાત્મ્ય તથા શ્રી સુખદેવજી પરીક્ષિતજી સંવાદથી કથાનો પ્રારંભ થશે. 22મી જાન્યુઆરીએ કપિલોપદેશ, સતી ચરિત્ર અને ધ્રુવ ચરિત્રનું આયોજન છે. મંગળવાર 23 જાન્યુઆરીએ અજા મીલ આખ્યાન, ભરત ચરિત્ર, પ્રહલાદ ચરિત્ર અને શ્રી નૃસિંહ અવતાર ઉજવવામાં આવશે. 24મી જાન્યુઆરી બુધવારે ગજેન્દ્ર મોક્ષ, શ્રી વામન અવતાર, શ્રી રામ જન્મોત્સવ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવાર 25 મી જાન્યુઆરીએ નંદોત્સવ, શ્રીકૃષ્ણ બાળ લીલા, ગોવર્ધન લીલા શુક્રવાર 26 જાન્યુઆરીએ રાસપંચાધ્યાયી, કંસવધ અને રૂક્ષ્મણી વિવાહનું આયોજન છે.
શનિવાર 27મી જાન્યુઆરીએ કથા ને વિરામ અપાસે જે દરમિયાન સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષના પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. આ ભાગવત કથામાં વાપી અને તેના આસપાસના વિસ્તારમાં રહેતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરે તે માટે આયોજક કમિટી દ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.