Saturday, March 15News That Matters

વલસાડ LCB એ ઘરફોડ ચોરી કરતી ધોત્રે ગેંગના બે સભ્યોને 10 લાખના ચોરીના મુદામાલ સાથે ઝડપી 16 ગુનાઓનો ભેદ ઉકેલ્યો

વલસાડ LCB દ્વારા જિલ્લામા છેલ્લા બે વર્ષ દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવની મોડસ ઓપરન્ડી, બનાવનો સમયગાળો, સી.સી.ટી.વી. ફુટેજ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે એનાલીસીસ કરી ચોરીમાં સંડોવાયેલ ઇસમોનું વર્ણન, ગુનામાં લીધેલ વાહન, આરોપીના ફોટાઓની માહિતી એકઠી કરવામાં આવી હતી. આ માહીતી આધારે બંધ મકાનના તાળા તોડી ઘરફોડ ચોરી કરવાના ગુનામાં માહેર ધોત્રે ગેંગના 2 સભ્યો રામ ઉર્ફે બુઢા ચિન્નપા ધોત્રે, નવીન રમેશ ધોડીને ચોરીના દાગીના, રોકડા રૂપિયા મળી કુલ 10,31,650 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તેમજ જિલ્લાની 16 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
વલસાડ જિલ્લા LCB ની ટીમેં બાતમી આધારે સંજાણ, ચાર રસ્તા પાસેથી 02 જાન્યુઆરી 2024 ના ઉમરગામ તાલુકાના મમકવાડા ગામે બચુભાઇ મોહનભાઇ દુબળાના ઘરેથી રોકડા 9.50 લાખની રોકડ તથા 22,650 રૂપિયાના સોનાચાંદીના દાગીના, ગુનામાં ઉપયોગમાં લીધેલ જયુપીટર મોપેડ, મોબાઇલ મળી કુલ 10,32,650 રૂપિયાના ચોરીના મુદામાલ તથા બંધ મકાનના દરવાજા તાળા તથા કબાટ તોડવા માટે ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો સાથે ગુનામાં સંડોવાયેલ આંતર રાજય મહારાષ્ટ્રની ધોત્રે ગેંગના સભ્યો પૈકી રામ ઉર્ફે બુઢા ચિન્નપા ધોત્રે અને નવીન રમેશ ધોડીને ઝડપી પાડ્યા હતાં.
પકડાયેલ આરોપીઓ તથા તેના પરીવારના સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેઓની પુછપરછ કરતાં તેઓએ છેલ્લા બે વર્ષ દરમ્યાન ઉમરગામ તાલુકામાં અલગ અલગ ગામોમાં બંધ મકાનોની રેકી કરી ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરી છે. પકડાયેલ બંને આરોપીઓને સાથે રાખી તપાસ કરતાં ઉમરગામ તાલુકામાં અલગ અલગ વિસ્તારમાં બંધ મકાનના તાળા તોડી 16(સોળ) જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ઉપરોકત બંને પકડાયેલ આરોપીઓને વધુ તપાસ અર્થે ઉમરગામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.અને નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના 2 દિવસના પોલીસ કસ્ટડીના રીમાન્ડ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પડકડાયેલ આરોપીઓએ 02-01-2024 ના ઉમરગામ તાલુકાના મમકવાડા, વાવર ફળીયામાં રહેતા અરૂણાબેન બચુભાઇ મોહનભાઇ દુબળાના ઘરે ઘરના મેઇન દરવાજાનો નકુચો તોડી ઘરમાંથી રોકડા રૂ. 9,50,000/- તથા સોનાચાંદીના દાગીના તથા ખોટા બગસરાના દાગીના મળી કુલ્લે કિં.રૂ. 9,88,200/- ની મતાની ચોરી કરી હતી. એ પહેલાં જુલાઇ-ઓગષ્ટ/2023 માં ટીંભી ગામના એક ફ્લેટમાંથી 31 ઇંચનું ટી.વી., 24-08-2023ના ભાઠી કરમબેલીમાંથી ચાંદીના દાગીના તથા રોકડા રૂ.1,30,000/- ની મતાની ચોરી કરી હતી. એ ઉપરાંત સોળસુંબામાં 2 અલગ અલગ ચોરીમાં 5.11 લાખ રોકડા, સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ઉમરગામ ટાઉનમાંથી 2,24,340 રૂપિયાની, નારગોલ ગામમાંથી 1.47 લાખની, તડગામ, સંજાણ, બુનાટપાડા, સોળસુંબા, નારગોલ સરીગામ, ભિલાડ જેવા વિસ્તારમાં 2021થી અત્યાર સુધીમાં 15.90 લાખ જેવી માતબર રોકડ-દાગીનાની ચોરી કરી છે.
પકડાયેલ બંને આરોપીઓ ધોત્રે ગેંગના સભ્યો છે. આ બંને આરોપીઓ કબજે કરેલ જયુપીટર મોપેડ ઉપર બેસી દિવસ દરમ્યાન બંધ મકાનની રેકી કરતા હતા અને બંધ મકાનના તાળા તોડી એકાદ કલાકના સમયગાળામાં ચોરી કરી મહારાષ્ટ્ર તરફ નાસી જતા હતા. ચોરીમાં મળેલ મુદામાલ મહારાષ્ટ્ર ખાતે જવેલર્સ શોપમાં વેચાણ કરતા હતા. જેઓને ઝડપી પાડી ગેંગના અન્ય સભ્યો શ્યામ ઉર્ફે સંચા ચિન્નપા ધોત્રે, જીતેશ ઉર્ફે જીતુ શશી દુસાંગેને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી ધોત્રે ગેંગનો સભ્ય છે અને છેલ્લા 20 વર્ષથી ઘરફોડ ચોરીઓ કરે છે આ ધોત્રે ગેંગમાં શિવા ચિન્નપા ધોત્રે, શ્યામ ચિન્નપા ધોત્રે, હનુમંતા ધોત્રે, અલ્લુ ઉર્ફે અજય ધોત્રે, મહેશ ધોત્રે તથા નવીન ધોડી, રાહુલ મરાઠી, જીતેશ ઉર્ફે જીતુ દુસાગે સામેલ છે. જેઓને મહારાષ્ટ્રના અને વલસાડના જુદા-જુદા પો.સ્ટે.ની ઘરફોડ ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.
1999થી ઘરફોડ ચોરીના ગુન્હા કરતી અને લાખો રૂપિયાની ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ કરવા સુરતના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વાબાંગ જમીર તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સુચના મુજબ LCBના PI વી. બી. બારડના સુપરવિઝન હેઠળ PSI કે.એમ.બેરીયા, PSI એચ. એ. સિંધા, PSI એમ.કે.ભીંગરાડીયાના નેતૃત્વ હેઠળ સ્ટાફના ASI રાકેશભાઇ રમણભાઇ તથા અ.હે.કો. મહેન્દ્ર ગુરજીભાઇ, અરૂણ સીતારામ, રજનીકાંત રમેશભાઇ તથા અ.પો.કો. કનકસિંહ દોલુભા, રાજુભાઇ જીણાભાઇ, સંજયભાઈ ઓધવજીભાઈએ ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરી કરી આ રીઢા ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *