વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં ઓઇલ બનાવતી ઓઈલકેમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા બાજુની કંપની પણ ઝપેટમાં આવી ગઈ છે. આગની ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ 3 પુરુષ અને 2 મહિલા દાઝી ગઈ છે. આગ પર કાબુ મેળવવા સરીગામ, વાપીથી ફાયરની ટીમને બોલાવવામાં આવી છે.
વલસાડ જિલ્લાના સરીગામ GIDC એરિયામાં નરગોલ ચાર રસ્તા નજીક પ્લોટ નંબર 5/14, NCWI ઝોનમાં કાર્યરત OILCHEM INDUSTRIES PVT. LTD.માં શનિવારે સાંજે 7 વાગ્યા આસપાસ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં મહિલા-પુરુષ મળી 5 લોકો દાઝી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આગની વિકરાળ જ્વાળાઓએ બાજુની સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ને પણ પોતાની ઝપેટમાં લઈ લેતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. આગ ને બુઝાવવા સરીગામ, વાપી, ઉમરગામથી ફાયર જવાનોને બોલાવવામાં આવ્યા હોય ફાયરની ટીમે આગને બુઝાવવા પ્રયાસ કર્યો હતો.
આગની ઘટના અંગે સરીગામ ફાયર અને ભિલાડ પોલીસ તરફથી મળેલી વિગતો મુજબ આગની ઘટનામાં ત્રણ પુરુષ અને બે મહિલા દાજી જતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેમાં 2 ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે સાંજે 7:00 વાગ્યા આસપાસ કંપનીમાં અગમ્ય કારણસર મોટો ધડાકો થયો હતો. જે બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.
ઘટનાની જાણ સરીગામ ફાયર વિભાગ તથા જિલ્લાના અન્ય ફાયર સ્ટેશનને કરવામાં આવી હતી. જિલ્લાના ફાયરબોલ સહિતની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતાં. ભિલાડ પોલીસને પણ જાણ થતા મોટા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી સુરક્ષાના તમામ પગલાં હાથ ધર્યા હતાં. જો કે, આગ વિકરાળ હોય નજીકમાં આવેલ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ને પણ પોતાની ઝપેટમાં લીધી હતી. આ લખાય છે ત્યાં સુધી આગનું સ્વરૂપ વિકરાળ હોય તેના પર કાબુ મેળવવા ફાયર ટીમ પ્રયાસ કરી રહી છે. આગ પર પ્રયાસ મેળવ્યા બાદ જ ઘટનામાં કેટલી જાનહાની થઈ છે. તેની ચોક્કસ વિગતો મળી શકશે.
ઉલ્લેખનીય છે કે, સરીગામ ખાતે આગમાં સ્વાહા થયેલ ઓઇલ કેમ ઇન્ડસ્ટ્રીઝ ઓટોમિટિવ અને ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ બનાવે છે. જેના સ્ટોક કરેલા તૈયાર મટિરિયલ્સ અને રો-મટિરિયલ્સ માં આગ લાગી હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને કારણે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.