પારડી તાલુકાના બગવાડા ગામમાં શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી સંચાલિત શેઠ જી.એચ. એન્ડ ડી.જે. સાર્વજનિક હાઈસ્કૂલનો વર્ષ 2022-23 નો વાર્ષિકોત્સવ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, અલ્પાબેને આચાર્યા તરીકે આ શાળાનું સુકાન સંભાળ્યું ત્યારથી અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ થઈ રહી છે. જીવનમાં ભણતર જરૂરી છે પણ એની સાથે ઘડતરની પણ વધારે જરૂર હોય છે. સામાન્ય જીવનમાં ભણતરથી કદાચ સફળ ન થઈ શકે પણ જો ઘડતર યોગ્ય થયું હશે તો તે વિદ્યાર્થી ચોક્કસ સફળ થાય છે.
છેલ્લા 20-25 વર્ષમાં શાળાએ જે સિદ્ધિ મેળવી છે તે બદલ શાળા પરિવાર અને સમગ્ર શિક્ષકગણને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. બગવાડા અને તેના આસપાસના વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ શાળા આગામી વર્ષોમાં પણ નવા સોપાનો સર કરે તેવી મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
વલસાડ ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્યું કે, ન્યાત જાતના ભેદભાવ વિના આ સ્કૂલમાં શિક્ષણ મળી રહ્યું છે. ચાતુર્માસ માટે જૈનોની આ પવિત્ર ભૂમિ છે. વધુમાં આ સ્કૂલમાં સાયન્સ સ્ટ્રીમ શરૂ કરવામાં આવે એવી અપીલ કરી હતી. શાળાના આચાર્યા અલ્પાબેન નાયકે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે થતી વિવિધ પ્રવૃતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
વર્ષ 1933 થી કાર્યરત આ સ્કૂલના ઇ મેગેઝીન ગુલાબ વિશેષાંક 2023-24 નુ ઇ- વિમોચન, ચાર હસ્તલિખિત અંકોનું વિમોચન, પ્રાર્થનાપોથીનું વિમોચન, વિશેષ ગુણાંકન પધ્ધતિથી સમિતિ દ્વારા નકકી કરાયેલા મેરીટ મેડલો 48 તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા. શિક્ષણનું મહત્વ સમજાવતો ” સ્કુલ ચલે હમ “સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો.
કાર્યક્રમમાં શ્રી બગવાડા પરગણા જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કુંજલભાઈ શાહ, શ્રી બગવાડા પરગણા જૈન દશા ઓસવાલ સમાજ સહાયક મંડળના પ્રમુખ હરિનભાઈ શાહ, શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટીના હેમંતભાઈ શાહ, ઉપપ્રમુખ ઉજેશભાઈ શાહ, મંત્રી દિનેશભાઇ શાહ અને સહિત ટ્રસ્ટી મંડળના સભ્યો, ગામના સરપંચ જવાહરભાઈ પાઠક, વાપી શહેર સંગઠન પ્રમુખ સતિષભાઈ પટેલ અને વાપી પાલિકાના કારોબારી ચેરમેન મિતેશભાઈ દેસાઈ સહિત શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.