વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ ડેહલી ગામે નિર્માણ થઈ રહેલ સોની સ્ટીલ એપ્લાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કોન્ટ્રાકટર પાસે ગામના સ્થાનિક વ્યક્તિએ 10 લાખની માંગણી કરી પૈસા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા કોન્ટ્રાકટરે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ભિલાડ પોલિસ મથકમાંથી મળતી વિગતો મુજબ મૂળ મુંબઈના અને વલસાડ જિલ્લાના ડેહલી ગામે નવી સ્થપાઈ રહેલી સોની સ્ટીલ એપ્લાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બાંધકામ નો કોન્ટ્રાકટર લેનાર અભયરાજસિંહ ઠાકુરે ફરિયાદ નોંધાવી છે કે, કંપનીના બાંધકામ દરમ્યાન ડેહલી ગામનો મયંક કિરણ ભંડારી નામનો વ્યક્તિ તેમના કામમાં અવરોધ ઉભો કરી, ધાક ધમકીઓ આપી 10 લાખ રૂપિયાની માંગણી કરે છે.
આ ઇસમ છેલ્લા કેટલાક મહિનાથી કોન્ટ્રાકટર અભયરાજસિંહને મોબાઈલ ફોન કરી આ માંગણી કરી રહ્યો છે. તેમજ કંપની ના કામમાં વપરાય રહેલા JCB ડમ્પરના ચાલકોને તેમજ બાંધકામના કામ કરવા આવતા મજૂરોને ધમકાવી ગંદી ગાળો બોલી કન્સ્ટ્રકશન કામ અટકાવી રહ્યો છે. સતત થતી આ પ્રકારની હેરાનગતિ અને પૈસાની માંગણીથી આખરે તેમણે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.
ફરિયાદમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, કંપનીના સંચાલક એવા ભાવેશ પટેલ, પાંડુરંગ શેટ્ટી એ તેમને 9 મહિના પહેલા કંપનીના કન્સ્ટ્રકશન નો કોન્ટ્રાકટર આપ્યો છે. જેમાં ચારેક મહીનાથી સ્થાનિક ગામનો વ્યક્તિ મયંક ભંડારી અન્ય વ્યક્તિઓ સાથે મળી ફોન પર ધમકીઓ આપી 10 લાખની માંગણી કરતો આવ્યો છે. તેમજ ગામના અન્ય વ્યક્તિઓને પણ કંપની વિરુદ્ધ ભડકાવી રહ્યો છે. નિર્માણાધીન કંપની જ્યૂશર મિક્સર બનાવતી કંપની હોવા છતાં આ કંપની કેમિકલ કંપની હોય આસપાસના સ્થાનિક લોકોના આરોગ્ય ને હાનિ પહોંચાડશે તેવી ખોટી વાતો કરી ઉશ્કેરી કન્સ્ટ્રકશન કામ અટકાવી રહ્યો હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ડેહલી ગામના મયંક ભંડારી સામે કોન્ટ્રકટરને ધાક ધમકી આપી 10 લાખની માંગણી કરતો હોવાની ફરિયાદ ભિલાડ પોલીસ મથકમાં નોંધાતા હાલ મયંક ભંડારી ને ઝડપી પાડવા ભિલાડ પોલીસે તજવીજ હાથ ધરી છે. ત્યારે, આ પ્રકારે અન્ય કંપનીઓમાં પણ આ ઇસમે આવી ધમકીઓ આપી પૈસાની માંગણી કરી હોવાની વધુ વિગતો પણ પ્રકાશમાં આવી શકે તેવી આશંકા પણ સેવાઇ રહી છે.