Thursday, November 21News That Matters

ઉમરગામના આ કાંઠા વિસ્તારમાં ATM-Paytm કે રોકડ નાણાં ને બદલે સાટા પદ્ધતિથી થાય છે જરૂરી ચીજવસ્તુઓનું ખરીદ-વેંચાણ……!

માનવ સભ્યતામાં ચલણના ઉપયોગની શરૂઆત પહેલા આપ લે (સાટા) પદ્ધતિ ચાલી હતી. શરૂઆતનાં વર્ષોમાં ગ્રામસમાજ-વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર તથા ખુબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું. એટલે વસ્તુ વિનિમય પ્રથા ધ્વારા માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો રહેતો. જેમ કે,ખેડૂત ઘઉં જેવા ધાન્ય ઉગાડી સ્વવપરાશ માટે રાખી વધારાનું અનાજ આપી ચોખા, કાપડ, ચંપલ જેવી જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવતો હતો, જે ચીજવસ્તુઓ આપનાર કે બનાવનાર આ જ રીતે પોતાની જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ ખરીદતો હતો.

જ્ઞાન આપનાર શિક્ષક (ગુરુજી ) ને જ્ઞાન ના બદલામાં અનાજ મળતું તો કલાકારોને પણ માંનોરજનના બદલામાં વસ્તુઓ મળતી. સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતા વસ્તીમાં વધારો થતા જરૂરિયાતો વધવા લાગી, બદલવા લાગી અને સુક્ષ્મ થવા લાગી. ઔધોગીકરણ,
શહેરીકરણ અને શ્રમવિભાજન તથા વિશિષ્ટકરણને કારણે આજે આ સાટાપ્રથા ભાગ્યે જ ક્યાંક અસ્તિત્વ માં છે.

પ્રાચીન કાળમાં ચાલતી આ પરંપરા આજના આધુનિક ATM અને Paytm ના યુગમાં ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે. આ પદ્ધતિનો ઉપયોગ ઉપરવાસના ખેડૂતો સૂકી માછલીની ખરીદી કરવા માટે કરી રહ્યા છે. માનવ સભ્યતામાં કોઈપણ પ્રકારની ચીજ સામગ્રી ખરીદી કરવા માટે ચલણનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાચીન કાળમાં કોડી, ફૂટી કોડી, સોના મહોર, તાંબા પિત્તળના સિક્કાનો ઉપયોગ થતો આવ્યો છે. આજના જમાનામાં ચલણી નોટ પાછી આપને cash less (ડિજિટલ ચલણ) પદ્ધતિ આપનાવી રહ્યા છે.

ઉમરગામ તાલુકાના નારગોલ બંદર, ઉમરગામ ટાઉન, કાલય જેવા સ્થળે મોટા પ્રમાણમાં માછીમારી પ્રવૃત્તિ પ્રાચીન કાળથી ચાલી આવે છે. આ વિસ્તારમાં મળી આવતી માછલીઓ દેશ અને દુનિયામાં એક્સપોર્ટ થતી હોય છે. પ્રાચીન કાળથી આ વિસ્તારોમાં માછલીઓ ખરીદવા સેંકડો કિલોમીટર દૂર મહારાષ્ટ્ર રાજ્યના ઉપરવાસના વિસ્તારોથી ખેડૂતો પોતાની વાડી ખેતરમાં ઉત્પાદિત થયેલા ફળ, અનાજ કઠોળ ઇંધણના લાકડા વગેરે સામગ્રી સાથે લાવી ઉમરગામ તાલુકાના માછીમારોને સામગ્રી આપી તેની સામે માછલીઓ ખરીદી કરવાની પરંપરા ચાલી આવે છે.

આ પદ્ધતિમાં સામાનની સામે સામાનની આપ લે થતી હોય છે જેમાં અન્ય કોઈ પણ પ્રકારથી ચલણી વ્યવહાર થતો નથી. પ્રાચીન કાળથી કાંઠા વિસ્તાર અને ડુંગર વિસ્તાર વચ્ચેનો આ વ્યવહાર આજે પણ પ્રત્યક્ષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ માછીમારીની ઋતુનો પ્રારંભ થાય છે ત્યારે ઉપરવાસના વિસ્તારોના ખેતરોમાં પણ પાક તૈયાર થતો હોય છે જે પાક લઈ મોટી સંખ્યામાં વહેલી સવારે માછલીની ખરીદી કરવા માટે મહારાષ્ટ્રના ઉદવા, તલાસરી, આમગામ સહિત સેકડો કિલોમીટર દૂર ઔરંગાબાદ, નાશિક વિસ્તારોથી ખેડૂતો આવતા જોવા મળે છે.

આ અનોખી પદ્ધતિ અંગે યુનિર્વસિટી ઓફ વિન્નિપેગ, કેનેડાના સંશોધક અનશ ખાને જણાવ્યું હતું કે, હું કેનેડાની વિનીપેગ યુનિવર્સિટીમાં સંશોધક છું. મારું રીસર્ચ એ ‘Dried Fish Matters’ પ્રોજેક્ટનો એક ભાગ છે જેમાં દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાના છ દેશોની research ટીમોનો સમાવેશ થાય છે, જે સૂકી માછલીની સામાજિક અર્થ વ્યવસ્થાને અન્વેષણ કરવા માટે છે જેનો અભ્યાસ ઓછો છે. વલસાડ જિલ્લાના દરિયા કાંઠાના ક્ષેત્રમાં મારા researchમાં, ખાસ કરીને ખતલવાડા અને નારગોલ જેવા ગામોમાં, મેં આદિવાસી અને માછીમાર સમુદાયો વચ્ચે ‘barter system’ જોઇ છે. આદિવાસી કાપણીની મોસમ દરમિયાન દૂર નાસિકથી સૂકી માછલીના બદલામાં ડાંગર, કઠોળ, અનાજ, બાજરીનો વિનિમય કરે છે. છ દેશોમાં અમારા researchમાં સૂકી માછલી માટે આ પ્રકારની વિનિમય પદ્ધતિનું આ પ્રથમ ઉદાહરણ છે. તે અનન્ય છે અને દર્શાવે છે કે કેવી રીતે અનૌપચારિક બજારો હજારો વર્ષોથી પોષણ વિનિમય માટેની તકો ઊભી કરે છે.

9 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *