Friday, January 31News That Matters

વાપી GIDCમાં કંપનીના નકામાં ભંગાર અને કામના મટિરિયલ્સ માટે જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણ કરનારા કંપની સંચાલકો સામે કાર્યવાહી ક્યારે????

વાપી GIDC ના કંપની સંચાલકોને જાણે કોઈનો ડર જ ના હોય, GPCB, GIDC, નોટિફાઇડ અને VIA જેવી સંસ્થાના અધિકારીઓ, હોદ્દેદારો જાણે પોતાના ગજવામાં હોય તેમ બિન્દાસ્ત બની નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. GIDC માં 3000 થી વધુ ઉદ્યોગો કાર્યરત છે. જેમાંના મોટાભાગના એકમોએ જેમ જાહેર માર્ગ ને પાર્કિંગ એરિયા ગણી લીધો છે. એવી જ રીતે કેટલાકે તો વળી જાહેર માર્ગને કંપનીના ઉપયોગી મટિરિયલ્સ ના ગોદામ માટે તો કેટલાકે નકામાં ભંગાર માટેનો વાડો ગણી લીધો છે.

વાપી GIDC ની એનેક કંપનીઓ વર્ષમાં અનેકવાર તેમની કંપનીની મશીનરીમાં જરૂરી ફેરફાર કરતી હોય છે. આ કામગીરી દરમ્યાન કેટલાક નકામાં પાર્ટ્સ કે અન્ય ચીજવસ્તુઓનો કંપનીની બહાર જાહેર માર્ગ પર ખડકલો કરી દે છે. નિયમ મુજબ કંપની બહાર જાહેર માર્ગ પર ચોક્કસ જગ્યામાં ગ્રીન સ્પેસ હોય એ પટ્ટામાં પર્યાવરણ જાળવણી કરવા વૃક્ષારોપણ જરૂરી છે.

એકાદ બે વાર વૃક્ષારોપણના નાટક કર્યા બાદ તે જ એરિયા કંપની કર્મચારીઓ, સંચાલકો, માલિકોના વાહનોના પાર્કિંગમાં વાપરવા લાગે છે. નામ માત્રની જગ્યામાં બતાવવા પૂરતું ગાર્ડન રાખે છે. એ પણ યોગ્ય માવજત વિના ઉકરડામાં તબદીલ થાય એટલે એવી જગ્યાએ કંપનીના બિનઉપયોગી ભંગારનો ખડકલો કરવો શરૂ કરે છે. કેટલાક વળી કંપનીના રો-મટિરિયલ્સ માટે પણ તેનો ઉપયોગ કરે છે અને તમામ નિયમોના ધજાગરા ઉડાડવામાં કોઈ છોછ રાખતા નથી. આ પ્રણાલી વર્ષોથી ચાલે છે.

વાપી GIDC માં ઠેકઠેકાણે જાહેર માર્ગો પર ક્યાંક કંપની ના મટિરિયલ્સ માટે પાકા કે કાચા શેડ બનાવ્યા છે. જેમાં બહારથી આવતું મટિરિયલ્સ સ્ટોર કરવામાં આવે છે. કોઈ પેપરના રોલ મૂકીને બેઠા છે તો, કંપની ના વિવિધ મશીનના પાર્ટ્સ.., કેટલાકે તો મસમોટી ટાંકીઓ, પાઇપ, જે રસ્તા પર ભારે અડચણરૂપ છે તે પણ રસ્તા પર મૂકી નફટાઈ ની હદ વટાવી છે. પેકેઝિંગ, એન્જીનીયરીંગ, કેમિકલ, ફૂડ ઇન્ડસ્ટ્રી ના સંચાલકો આમાં મોખરાનું સ્થાન ધરાવે છે. કંપનીઓમાં લાગતી આગ જેવી દુર્ઘટના વખતે અનેક વાર સામે આવ્યું છે કે, આવા બિનઉપયોગી અને ઉપયોગી મટિરિયલ્સ નો ખડકલો જ ફાયરના વાહનોને સૌથી વધુ અડચણરૂપ બનતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય.
ઉલ્લેખનીય છે કે, આવા કંપની સંચાલકો સામે VIA જેવી સક્ષમ સંસ્થાના હોદ્દેદારો કે નોટિફાઇડ GIDC GPCB ના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવી જરૂરી છે. જો આવા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તો, વાપી ના તમામ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવવા સાથે વાપી GIDC સુંદર રસ્તાઓને કારણે, સ્વચ્છતા ને કારણે અને વૃક્ષો, બાગ બગીચાને કારણે પણ એટલી જ જાણીતી બને જેટલી અત્યારે પ્રદુષણ, આગ ના બનાવો માટે જાણીતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *