Friday, October 18News That Matters

વાપી GIDC માં પર્યાવરણ દિવસે હઇસોહઇસો કરીને આગળ આવતી કંપનીઓએ ગ્રીન સ્પેસમાં ઉભા કરેલા ગાર્ડન ખસ્તાહાલ અથવા તો પાર્કિંગમાં તબદીલ….?

વાપી GIDC માં આવેલ વિવિધ એકમોના સંચાલકો દર વર્ષે પર્યાવરણ દિવસને મોટે ઉપાડે મનાવે છે. એક વિક કે પખવાડિયાના આવા કાર્યક્રમમાં નેતાઓ, અધિકારીઓ સાથે મળી વૃક્ષો વાવે છે. વાપી ને ગ્રીન GIDC બનાવવાના સંકલ્પ લેતા હોય છે. પરંતુ તે બાદ આ કહેવાતા પર્યાવરણ પ્રેમીઓ પોતાની કંપનીઓ આસપાસ જ ગ્રીન સ્પેસ ની જગ્યાનું દબાણ કરી પાર્કિંગ ઉભા કરવામાં કોઈ છોછ અનુભવતા નથી. કેટલાક વળી ગ્રીન સ્પેસમાં વૃક્ષો વાવે છે, તે બાદ તેની જાળવણી બાબતે સદંતર બેજવાબદાર બન્યા છે.

1100 હેકટરમાં પથરાયેલ વાપી જીઆઇડીસીમાં 1972થી ઉદ્યોગો ધમધમવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં 155 ઉદ્યોગો કાર્યરત થયા હતા. જ્યારે આજે 3000 થી વધુ નાના મોટા એકમો ધમધમે છે. જેને કારણે વાપી GIDC પ્રદુષણ માટે તેમજ ઉદ્યોગોમાં થતા ગમખ્વાર આગ અને બ્લાસ્ટ ના બનાવોમાં નામચીન બન્યું છે. હવે જાહેર માર્ગો પર ગ્રીન સ્પેસની જગ્યામાં જ પાર્કિંગ ઉભા કરી વાહનોનો ખડકલો કરવામાં પણ નામચીન બન્યા છે. નવાઈની વાત એ છે કે, આવા બેજવાબદાર નિવડેલા સંચાલકો નોટિફાઇડ, VIA, જેવી સંસ્થાઓના કર્તા હર્તા પણ છે.

વાપી GIDC ના કોઈપણ ફેજ માં જાઓ ત્યાં તમને દરેક કંપનીની આગળ-પાછળ કે સાઈડમાં તારખુંટા મારેલા જોવા મળે છે. જે જગ્યામાં તેઓ શરૂઆતમાં અવનવા વૃક્ષો વાવી ગાર્ડન ઉભા કરે છે. જે બાદ એ જ જગ્યા વાહનોના પાર્કિંગ માટે ઉપયોગમાં લેતા થઈ જાય છે. વાપીની અનેક નામચીન કંપનીના સંચાલકો તો વળી બેખૌફ તેમાં કાચા પાકા શેડ બનાવી કંપનીનો વધારાનો માલસામાન મુકવા ગોદામ તરીકે પણ ઉપયોગ લેવામાં શરમ અનુભવતા નથી.

GPCB, GIDCના અધિકારીઓને જાણે ખોળે બેસાડ્યા હોય તેમ આવા કંપની સંચાલકોના કરતૂતો સરા જાહેર છે. તેમ છતાં તેમને આ અંગેનું કોઈ જ આત્મ મંથન કરાવતી કાર્યવાહી કરવામાં આવતી નથી. GIDC માં એવા અનેક ઉદ્યોગો છે. જેના સંચાલકોએ પોતાના એકમ આગળ નિયમ મુજબ ગાર્ડન બનાવ્યા છે. આ ગાર્ડનમાં યોગ્ય માવજત થતી નથી. હાલમાં મોટાભાગના એકમો બહાર કે, આસપાસમાં ઉભા કરેલા ગાર્ડન હાલ માવજતના અભાવે કચરાના ઉકરડામાં ફેરવાયા છે. કેટલાય વૃક્ષો મુરજાયેલ છે. આશા રાખીએ કે આવા સંચાલકો સામે વહીવટીતંત્ર કે જાહેર સંસ્થા યોગ્ય કાર્યવાહી કરી જરૂર પડ્યે કાયદાનો પાઠ ભણાવે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *