Friday, January 31News That Matters

108 એમ્બ્યુલન્સ ને બલિઠા તાલુકા સેવાસદન સામે નડ્યો અકસ્માત….!

મંગળવારે વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર 108 એમ્બ્યુલન્સ ને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના નેશનલ હાઇવે પર બલિઠા નજીક તાલુકા સેવાસદન/મામલતદાર કચેરી સામે ઘટી હતી. હાઇવે પર પસાર થતા વાહનોને સાઈડ આપવા જતા એમ્બ્યુલન્સ સર્વિસ રોડની કામગીરી માટે ગોઠવેલ ડિવાયડર સાથે અથડાઈ હતી.

ઘટના અંગે મળતી વિગતો મુજબ મંગળવારે સવારે GJ18-GB-5449 નંબરની 108 એમ્બ્યુલન્સ ના ડ્રાઇવર અને EMT એમ્બ્યુલન્સ લઈને પોતાના પોઇન્ટ તરફ આવી રહ્યા હતા. ત્યારે, નેશનલ હાઇવે નંબર 48 પર મામલતદાર કચેરી (તાલુકા સેવાસદન) સામે હાઇવે પર પસાર થતા વાહનને સાઈડ આપવા જતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. એમ્બ્યુલન્સ હાઇવે ના સર્વિસ રોડના કામ માટે ગોઠવેલ ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં એમ્બ્યુલન્સ ના આગળના ભાગે મોટું નુકસાન થયું હતું.

જો કે, સદનસીબે અકસ્માતનો ભોગ બનેલા 108 એમ્બ્યુલન્સ માં કોઈ દર્દી નહોતા અને માત્ર ડ્રાઇવર-EMT કર્મચારીઓ જ હતાં. જેઓનો અબાદ બચાવ થતા જાનહાની ટળી હતી. પરંતુ, મોટેભાગે એમ્બ્યુલન્સ ને જોઈ અન્ય વાહનચાલકો સાઈડ આપતા હોય છે. જ્યારે અહીં એમ્બ્યુલન્સ ના ડ્રાઇવરે અન્ય વાહન માટે સાઈડ આપવા જતા આ અકસ્માત થયો હોય લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું.

અત્રે નોંધનીય છે કે, બલિઠા નજીક જ્યાં હાઇવે સર્વિસ રોડની કામગીરી ચાલી રહી છે. તે અંદાજિત 100 મીટરના સર્વિસ રોડની ગામલોકોની વર્ષોથી માંગ હતી. જે હવે પુરી થઈ રહી છે. આ સર્વિસ રોડ નજીક જ ગામમાં જવાનો રસ્તો છે. લોકોએ ગામમાં જવા છેક સલવાવ સુધી ચકરાવો મારવો પડે છે. સમય અને ઇંધણ બચાવવા ગામલોકોએ રોંગ સાઈડ પર આવવું ફરજિયાત થયું હતું. કામગીરી પહેલા અહીં દર મહિને અનેક અકસ્માત થઈ ચૂક્યા છે. અનેક વખત લોકો મોતને ભેટી ચુક્યા છે. હાલમાં સર્વિસ રોડની કામગીરીને કારણે આ સમસ્યા વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *