Friday, October 18News That Matters

ઉત્તર ભારતીય સમાજનાં મહાપર્વ છઠ્ઠ પર્વ નિમિત્તે ઘાટ પર તૈયારીઓને અપાયો આખરી ઓપ

સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠપૂજા, આ પર્વ ઉત્તર ભારતવાસીઓનું મહાપર્વ છે. ત્રણ દિવસના આ પર્વ અંતર્ગત વાપી નજીકથી પસાર થતી દમણગંગા, કોલક નદી અને રાતા ખાડી તેમજ દમણના દરિયા કિનારે, સેલવાસના રિવરફ્રન્ટ ખાતે છઠ્ઠ વ્રતધારી સૂર્યની ઉપાસના કરશે. જે માટે વિવિધ સંસ્થાના આયોજકો દ્વારા ઘાટની સફાઈ કરી સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.

વાપી, દમણ, સેલવાસ સહિત આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તેમજ વેપાર-ધંધા માટે સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય પરિવારો દ્વારા દર વર્ષે તેમની કર્મભૂમિ પર જ છઠપૂજાની ઉજવણી કરે છે. વાપી નજીક પસાર થતી દમણગંગા નદીના કાંઠે નવદુર્ગા ટ્રસ્ટ સહિત અન્ય સંસ્થાઓએ વિશેષ આયોજન કર્યું છે. રવિવારે સાંજે દમણગંગા નદી કિનારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત છઠ્ઠ વ્રતધારી મહિલાઓ તેમના પરિવાર સાથે નદી કાંઠે આવી નદીના પાણીમાં ઉભા રહી ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાનો જયજયકાર કરશે.

 

આ અંગે છઠ પૂજા માટે વિશેષ તૈયારીઓને આખરી ઓપ આપનાર નવદુર્ગા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અનુગ્રહ સિંઘાનિયાએ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 16 વર્ષથી નવદુર્ગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે છઠ્ઠી મૈંયાની ઉજવણી કરવામાં આવે છે. વર્ષો વર્ષ છઠ પર્વમાં નદી કિનારે છઠ્ઠ વ્રતધારીઓ અને છઠ્ઠી મૈયામાં આસ્થા ધરાવનાર ભક્તોનો માનવ મહેરામણ ઉમટી રહ્યો છે.

વાપીમાં હરિયા પાર્ક ખાડી, દમણ ગંગા ખાડી, રાતા ખાડી એ ઉપરાંત દમણના દરિયા કિનારે અને દાદરા નગર હવેલીના સેલવાસમાં દમણ ગંગા રિવરફ્રન્ટ સહિતના વિવિધ સ્થળોએ લાખો ઉતર ભારતીય પરિવારો સૂર્યદેવને અર્ધ્ય આપી છઠ પર્વની ઉજવણી કરે છે. આ કઠીન પર્વ માટે નદી કિનારાના ઘાટ પર વિવિધ સંસ્થાઓ દ્વારા વિશેષ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.

મહિલાઓ અને પુરુષો છઠ્ઠીમૈયાનો ભક્તિ ભાવપૂર્વક પૂજા પાઠ કરી શકે તે માટે સેવાધારીઓ દ્વારા દસ દિવસ પહેલાથી જ ઘાટની સાફ-સફાઈ સહિતની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. હાલમાં આયોજકો દ્વારા ઘાટ પર ઘાસની સાફ-સફાઈ, આ પર્વ સવાર-સાંજનું પર્વ હોય તેને ધ્યાનમાં રાખીને લાઇટિંગની વ્યવસ્થા, દૂધ, પાણી અને જરૂરી સામગ્રીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

હેલોજન લાઈટના ટાવર ઉભા કરવા સાથે ચુસ્ત સ્વયંસેવકોની ફોજ ખડી કરવામાં આવશે. પાર્કિંગ વ્યવસ્થા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. એક ઘાટ પર અંદાજિત 35,000 થી વધુ લોકો છઠ્ઠી મૈયાની પૂજા કરવા માટે ઉપસ્થિત રહેશે. જે પ્રમાણે ત્રણેય ઘાટ મળીને અંદાજિત દોઢેક લાખ લોકો આ છઠ પૂજામાં સૂર્યદેવને અર્ધ્ય આપી છઠ પર્વની હર્ષોલ્લાસભેર  ઉજવણી કરશે.

કહેવાય છે કે, સૂર્યનો જન્મ થયા બાદ દેવતાઓએ છઠ્ઠા દિવસે તેમની ઉપાસના કરી હતી. ત્યારબાદ સૂર્યનું અસલ તેજ પ્રકાશિત થયું હતું. ત્યારથી આ પર્વનો પ્રારંભ થયો હોવાની લોકકથા પ્રવર્તે છે. આ પર્વ અંતર્ગત મહિલાઓ ત્રણ દિવસ કઠોર અનશન રાખે છે. રાત્રે ગોળની ખીરનો પ્રસાદ આરોગે છે. અને મહિલાઓ સવારે-સાંજે સૂર્યને અર્ધ્ય આપે છે. માથે શણગારેલી ટોપલીમાં કેળા, પપૈયા સહિતના ફળો કંકુ-ચોખા, શેરડી વગેરે નદીકાંઠે લઈને આવે છે. નદીકાંઠે દીવો પ્રગટાવી હાથમાં જળ લઈને ડૂબતા સુર્યને અર્ઘ્ય અર્પણ કરી ઘર-પરિવાર સમાજ અને દેશમાં સુખશાંતિ જળવાઈ રહે તે માટે સૂર્ય દેવ સમક્ષ પ્રાર્થના કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *