Friday, October 18News That Matters

પર્યાવરણ બગાડવામાં માનતા પેપરમિલના સંચાલકો અને એસોસિએશન ના હોદ્દેદારોની અણઆવડતને કારણે પેપરમિલો અધોગતિ તરફ

વલસાડ જિલ્લામાં વાપી, સરીગામ અને મોરાઈ જેવા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ધમધમતી પેપર મિલો આ વિસ્તારમાં પર્યાવરણ બગાડવામાં મોટી ભૂમિકા ભજવી ચુકી છે. સુરક્ષા અને સલામતીના બણગાં ફૂંકવા વચ્ચે અનેક વાર આવી મિલોમાં થતા ગમખ્વાર અકસ્માતો જગ જાહેર છે. અનેકવાર GPCB ના દંડનો ભોગ બનતી હોય, પેપરમિલોના સંચાલકોએ એસોસિએશન બનાવ્યું છે. જો કે, પેપર ઇન્ડસ્ટ્રી ને વિકાસના પંથે લઈ જવાના ઉદેશયથી બનેલું આ એસોસિએશન તે બાદ તેમાં નિમાયેલા લગભગ દરેક હોદ્દેદારો એ જાણે માત્ર પોતાની કંપનીનો જ વિકાસ સાધ્યો હોય આજે આ વિસ્તારની પેપરમિલો બદનામી સાથે અધોગતિ તરફ ધકેલાય રહી છે.

પર્યાવરણ દિવસે પર્યાવરણને બચાવવા માટે કામ કરતા હોવાના બણગાં ફૂંકી નામ માત્રના ઝાડ વાવતા અને જેની સામે કાચા માલ રૂપે જંગલનો સફાયો કરવામાં માનતા પેપરમિલ સંચાલકો ના પાપે વલસાડ જિલ્લામાં પર્યાવરણીય માઠી અસર પડી છે. દર વખતે મનોમંથનમાં આ ઠીકરું કેમિકલ ઇન્ડસ્ટ્રી પર ફોડી દેવાય છે.

પર્યાવરણનું સંતુલન જાળવવામાં માનતા હોવાનો રાગ અલાપી પ્રદૂષણના ધોરણોનું ચુસ્તપણે પાલન કરવાના સોગંધ ખાઈ, પાણી અને અવશેષોને રિસાયકલ કરવાના સંકલ્પ માત્ર અખબારી જાહેરખબર પૂરતા સીમિત રહ્યા છે. હકીકતે પર્યાવરણને અનેકગણું નુકસાન પહોંચાડી રહ્યા છે. અને સરકાર પાસે ટેકો માંગી પોતાના કારસ્તાન પર કારસ્તાન કરી રહ્યા છે.

ગુજરાત પેપર મિલ્સ એસોસિએશન (GPMA)ના જ આંકડા મુજબ રાજ્યની 100 માંથી 20 પેપર મિલો છ મહિનામાં બંધ થઈ ગઈ છે. એસોસિએશન ના હોદ્દેદારોની અણઆવડતનું આ ઠીકરું હવે એસોસિએશન સરકારની નીતિ અને વૈશ્વિક અસરો ના નામે ફોડી અન્ય પેપરમિલ સંચાલકો ને વધુ અધોગતિ તરફ ધકેલી રહ્યા છે. જો જાગૃત અને નિષ્ઠાવાન સંચાલકો હજુ પણ નહીં જાગે તો વધુ મિલો કાયમી ધોરણે બંધ થઈ શકે છે.

સરકાર દ્વારા ખેડૂતો ને અપાતી પાવર સબસિડી સામે આવા પેપરમિલ ઉદ્યોગને અનેક ફાયદા કરાવે છે. હાલના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પાસે એસોસિએશન હંમેશા વાટકો લઈને માંગવા પહોંચી જાય છે. ક્યારેક સરકારે ડ્યૂટી ડ્રોબેકને 4.22 ટકાથી ઘટાડીને 2.03 ટકા કર્યો છે. એની રજુઆત ફરિયાદ કરે છે. તો,” GPMA પ્રમુખ વળી ક્યારેક મિલો હાલમાં 3 લાખ મેટ્રિક ટનની માંગ સામે 4 લાખ મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા સાથે ચાલી રહી હોવાના ગુલાબી સપના બતાવે છે.

એસોસિએશન ની વિગતો મુજબ “એક પેપર મિલ 300 લોકોને પ્રત્યક્ષ રોજગાર આપે છે અને 1,000 લોકોને પરોક્ષ રોજગાર આપે છે. એક મિલનું રોજનું ઉત્પાદન 150 ટન છે. આ મિલો દ્વારા ઉત્પાદિત કાગળનો ઉપયોગ પેકેજિંગ સામગ્રી તરીકે થાય છે. વાપીમાં છેલ્લા બે મહિનામાં ચાર મિલો બંધ પડી છે. ગુજરાતમાં પેપર મિલો વાપીથી મોરબી સુધી ફેલાયેલી છે. જો કે, ખેતીલાયક જમીન, પિયત અને પીવાલાયક પાણીની ગુણવત્તા ને પારાવાર નુકસાન પહોંચાડી ચુકેલી પેપરમિલોમાં માનવ ખૂંવારી નો આંક પણ એટલો જ મોટો છે. ત્યારે, હવે એસોસિએશન ના હોદ્દેદારો જ પેપરમિલ ઇન્ડસ્ટ્રી ને અધોગતિ તરફ લઈ જઈ રહ્યા છે. જે એકંદરે પર્યાવરણ જાળવણીમાં ફાયદા કારક સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *