રિપોર્ટ :- કે. એન. વેપારી
વલસાડ :- ઉમરગામ તાલુકામાં બોગસ લોકોએ કૃષિ સહાય મેળવી લીધી હોવાની બુમરાણ ઉઠી છે. સાચા ખેડૂતો સહાયથી વંચિત રહેતા આ અંગે કેન્દ્રસરકારમાં વડાપ્રધાનને અને ગુજરાત રાજ્યના રૂપાણી સરકારને અનેક જાગૃત ખેડૂતોએ લેખિતમાં રાજુઆત કરી છે કે દરેક ગામમાં આ અંગે સ્થળ તપાસ કરવામાં આવી નથી એટલે ખેડૂતો ને ફાવતું મળી ગયું એમાં કેટલાય એવા લોકોએ સહાયના ફોર્મ ભરી દીધા છે જે ક્યાં તો ખેડૂત જ નથી અથવા તો ખેડૂત છે તો ખાતેદાર તરીકે નુક્સાનીનું વળતર જેટલા ખાતેદારના નામ છે તે દરેક ખાતેદાર ના નામે મેળવી લીધું. કોઈક ખૂબ જ પૈસાપાત્ર હોવા છતાં પણ સહાય મેળવી છે.
જો કે આ સમગ્ર મામલે પણ જ્યારે aurangatimes દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી તો અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં તાઉ-તે વાવાઝોડા બાદ જે કૃષિ સહાય જાહેર થઈ તે અંગે કૃષિ સહાયની કામગીરી અધિકારીઓએ ટેબલ પર બેસીને કરી તેના પરિણામ સ્વરૂપે મસમોટી ગોબાચારી આચરાઈ
જેમાં ગામના સરપંચ, તલાટીએ પણ આંખ આડા કાન કર્યા છે. કેટલાક ગામમાં ખુદ સરપંચના સગાંવહાલાંએ પણ બોગસ લાભાર્થી બની સહાય મેળવી લીધી છે. તો, વાપી, ઉમરગામ, સરીગામ GIDC માં ઉદ્યોગો ધરાવતા ઉદ્યોગપતિઓ, બિલ્ડરોએ પણ આ લાભ મેળવ્યો છે. એટલું જ નહીં સાચા અને ગરીબ ખેડૂતો હજુ પણ લાભથી વંચિત છે તેને લાભ અપાવવા આગળ આવવાને બદલે ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યપ્રધાન રમણલાલ પાટકરના પરિવારે, વલસાડ જિલ્લા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતના અનેક નામી રાજકીય આગેવાનો પણ 14,400 થી લઈને 45000 રૂપિયા સુધીની સહાય મેળવનારા લાભાર્થીઓ છે. જો આ સમગ્ર મામલે સરકાર દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો કેટલાય બોગસ લાભાર્થીઓએ સરકારી સહાય મેળવ્યાનુ સામે આવે જે કૌભાંડ કદાચ કરોડોમાં નીકળી શકે.
ગુજરાતમાં મેં મહિનામાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડા થયેલી જાનમાલની નુકસાની બાદ કેન્દ્રસરકારે 1000 કરોડનું જ્યારે રાજ્ય સરકારે 500 કરોડનું એમ કુલ 1500 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. અને તાબડતોબ આ રકમ લાભાર્થીઓને ચૂકવી દેવા સર્વે હાથ ધરી કરોડોની રકમનું ચુકવણું પણ કરી નાખ્યું છે. ત્યારે આ કૃષિ સહાયમાં વલસાડ જિલ્લામાં ખેડૂતો, સરકારી અધિકારીઓ, ગામના સરપંચો અને રાજકીય પક્ષોના રાજનેતાઓએ સાગમટે મળી કરોડોનું કૌભાંડ આચરી નાખ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાઉ-તે વાવાઝોડા દરમ્યાન ઝાડ ઉભા હોય પરંતુ ફળ ખરી પડ્યા હોય તેવા કિસ્સામાં વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં 30 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. ઉનાળુ કૃષિ પાકોને નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 20 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે 2 લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું હોવાનું નિવેદન પણ આપ્યું હતું. અને જે ખેડૂતને 33 ટકાથી વધુ નુકસાન હોય તે જ આ લાભ મેળવવા હકદાર હોવાનું જણાવ્યું હતું. પરન્તુ અહીં તો ઝીરો ટકા નુકસાન વાળાઓને લાભ મળ્યો અને જેનું 80 ટકા નુકસાન થયું તેવા ખેડૂતો હાથ ઘસતા રહી ગયા છે.