Tuesday, October 22News That Matters

સરીગામ GIDC માં આવેલ જી. એમ. ફેબ્રિક્સ કંપનીના કામદારનું મૃત્યુ, મોટરની ચેનમાં શર્ટ-બનીયાન ફસાતા બની કરુંણ ઘટના

વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં આવેલ જી. એમ. ફેબ્રિક્સ નામની કંપનીમાં કામ કરતા કામદારનું કરુણ મૃત્યુ નિપજતા પરિવારમાં દિવાળી પર્વ પહેલા માતમનો માહોલ પ્રસર્યો છે. મૃતક 3 સંતાનોનો પિતા હતો. જે કંપનીમાં કામ કરતો હતો. ત્યારે, મોટરની ચેનમાં શર્ટ અને બનીયાન ફસાઈ ગયા હતાં. જે ગળામાં વીંટળાઈ જતા આ કમકમાટી ભરી ઘટના બની હતી.

સરીગામ GIDC માં પ્લોટ નંબર 912/914 માં કાર્યરત જી. એમ. ફેબ્રિક્સમાં કામ કરતા દેવનાથસિંહ ગોપાલસિંહ યાદવ નામના કામદારનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે ભિલાડ પોલીસમાંથી મળેલી વિગતો મુજબ મૂળ યુપીના ગાજીપૂર જિલ્લાના પારસા ગામનો વતની અને સરીગામના શિવનગર વિસ્તારમાં આવેલ રામાં સ્વામી યાદવની ચાલમાં રહેતો 45 વર્ષીય દેવનાથસિંહ જી. એમ. ફેબ્રિક્સમાં તેમની રૂટિન નોકરી મુજબ 3જી નવેમ્બરે સાંજે નોકરી પર આવ્યો હતો.

પોતાની નિત્યક્રમની નોકરી દરમ્યાન કંપનીમાં બોઇલરમાંથી ડસ્ટ કાઢતી મોટરમાં થેલી ફિટ કરવા નીચે નમ્યો હતો. એ વખતે સેન્સરમાં તેણે પહેરેલ શર્ટ ખેંચાયો હતો. જે મોટરની ચેનમાં ફસાઈ ગયો હતો. શર્ટ સાથે બનીયાન પણ ફસાઈ જતા તેનું ગળું દબાયું હતું. કપડાનો ભાગ ગળામાં વીંટળાઈ જતા તે ત્યાંજ ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક સારવાર માટે સરીગામ ની રોટરી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતક દેવનાથ સિંહના મૃતદેહને તે બાદ ભિલાડ સરકારી હોસ્પિટલમાં PM માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમના PM બાદ મૃતદેહને વતન UP મોકલવામાં આવ્યો હતો. ઘટનામાં મૃત્યુ પામેલા 45 વર્ષીય કામદારના પરિવાર માં પત્ની અને સંતાનો છે. જે તેમના વતન UP રહે છે. જેઓને જરૂરી તમામ મદદ અને કંપનીના નિયમોનુસાર મળવા પાત્ર સહાય પુરી પાડવા કંપની સંચાલકોએ ખાતરી આપી હતી. દિવાળી પર્વ પહેલા જ કામદારનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજું પ્રસર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઘટના અંગે ભિલાડ પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચી વિગતો મેળવી હતી. તેમજ મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી એમ્બ્યુલન્સ મારફતે વતન યુપી લઈ જવા અંગેની જરૂરી કાર્યવાહીમાં મદદરૂપ બની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. GIDC ની કંપનીઓમાં છાશવારે બનતી આવી ઘટનામાં અનેક વાર ફેકટરી સંચાલકો દ્વારા તો ક્યારેક ખુદ કામદારો દ્વારા સુરક્ષામાં થતી ચૂક આ પ્રકારે જીવલેણ બને છે. આ ઘટનામાં સંચાલકોની બેદરકારી હતી કે કેમ તે અંગે પોલીસ, ડિશ અને GPCB ના અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *