Friday, October 18News That Matters

નારગોલ ગામે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

નારગોલ ગ્રામ પંચાયત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના નારગોલ ગામે સરદારચોક ચારરસ્તા ખાતે તાજેતરમાં જ સ્થાપિત કરવામાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

આ નિમિત્તે ઉપસ્થિત ધારાસભ્ય રમણભાઈ પાટકર, સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ કરસનભાઈ ભરવાડ, માજીતાલુકા પંચાયત સભ્ય જવાહરભાઈ પુરોહિત, ઉમરગામ UIAના સભ્ય કેતન પંચાલ, ગ્રામ પંચાયતના માજીસરપંચો, સ્થાનિક આગેવાનો, તાલુકા પંચાયત સભ્ય દક્ષાબેન ધોડી, શિક્ષકગણ વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયત સરપંચ સ્વીટી ભંડારીએ તેમજ પંચાયતના સભ્યોએ પુષ્પ આપી સ્વાગત કર્યું હતું.

ધારાસભ્ય રમણભાઈ પાટકર તેમજ ગામના સરપંચે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી તેમજ પુષ્પહાર પહેરાવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સર્વેએ વલ્લભભાઈની પ્રતિમાને પુષ્પથી વધાવી રાષ્ટ્રગીત સાથે સલામી આપી હતી.

નારગોલ ગામની અંદર ગત 15 મી ઓગસ્ટના દીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ વખતે પ્રથમ વાર જન્મજયંતીની ઉજવણી કરાઈ રહી હોવાથી ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *