Friday, October 18News That Matters

વાપીમાં શ્રીજી ઇવેન્ટના ગરબામાં બહેરા-મૂંગા બાળકોએ બોલાવી ગરબાની રમઝટ, આયોજકોએ 51 હજારની ધનરાશી આપી શરદપુનમની ઉજવણી કરી

વાપીમાં શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ સીઝન 7 અંતર્ગત શરદપુનમના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઠેલા પાર્ટી પ્લોટ વાપી ખાતે કરવામાં આવેલા આ આયોજનમાં વાપીની મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના બહેરા-મૂંગા બાળકોને ગરબે રમાડ્યા હતાં. તેમજ આયોજકો દ્વારા વાપીના DYSP ના હસ્તે સંસ્થાના વિકાસ માટે 51 હજારની ઘનરાશીનો ચેક અર્પણ કર્યા હતો. તો, જાણીતી ટીવી સિરિયલ અભિનેત્રી માલિની કપૂર પણ ખાસ ઉપસ્થિત રહી હતી. જેની સાથે સેલ્ફી લેવા ખેલૈયાઓએ પડપડી કરી હતી. બહેરા-મૂંગા બાળકોના રાસ ગરબાએ સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી સંપન્ન થયા બાદ શરદ પૂનમના દિવસે શીતળ ચાંદની રાતમાં વિવિધ સ્થળોએ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે વાપીમાં ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે શ્રીજી ઇવેન્ટ દ્વારા શરદપુનમની ઉજવણી કરવામાં આવી હતી.

આ રાસ ગરબાના આયોજક સમીર પટેલ અને ઇવેન્ટ એસોસિએટ મુકેશ જૈન દ્વારા બહેરા-મૂંગા બાળકોને આમંત્રિત કર્યા હતા. વાપીની મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળાના આ બાળકોએ કોઈપણ પ્રકારની પ્રેક્ટિસ વિના સંગીતના તાલે ગરબે રમ્યા હતાં. જે દ્રશ્યો જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતાં.

શરદપુનમના ગરબાની આ ખાસ ઇવેન્ટમાં વાપીના DYSP બી. એન. દવે, ટીવી એક્ટ્રેસ માલિની કપૂર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓના હસ્તે મનોવિકાસ ચેરીટેબલ સંસ્થાના વિકાસ માટે 51 હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તો, ગરબા શોખીન ખૈલૈયાઓએ જાણીતી ટીવી સિરિયલ અભિનેત્રી માલિની કપૂર સાથે ગરબે રમી સેલ્ફી લેવા પડપડી કરી હતી.

શરદ પૂનમના રાસ ગરબાનું આયોજન કરનાર શ્રીજી ઇવેન્ટના સમીર પટેલે જણાવ્યું હતું કે, શરદપૂનમના રાસ ગરબા નિમિત્તે કરેલા આયોજનમાં વાપીના મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના બાળકોને બોલાવી તેમની સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી શરદ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. આ બાળકો બહેરા મૂંગા હતા. છતાં પણ પોતાની અનોખી કોઠા સૂઝને કારણે સંગીતના સથવારે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ વગર તાલીમબદ્ધ ખેલૈયાઓ સાતબે ગરબે રમતા આ બાળકોને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. આ સાથે સમાજ સેવાની ભાવનાથી તેમના ટ્રસ્ટને 51 હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.

ગરબા આયોજકો દ્વારા મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ને અપાયેલા 51 હજાર ના દાનથી ખુશ થઈ ટ્રસ્ટના જ્યોતિબેન શાહે જણાવ્યું હતું કે, મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્ટેલમાં રહી 70 બાળકો અભ્યાસ કરે છે. એ સિવાયના બાળકો વાપીના આસપાસના વિસ્તારમાંથી આવે છે. તમામ બાળકો બહેરા-મૂંગા અને મેન્ટલી રીટાયર્ડ છે. જેઓને આયોજક સમીર પટેલ દ્વારા પરંપરાગત વસ્ત્રો ની ભેટ આપી ગરબે રમાડ્યા હતાં. જે તેમના માટે ખૂબ ખુશીનો પ્રસંગ બન્યો હતો. આયોજકો તરફથી જે ફંડ તેમને આપવામાં આવ્યું છે તે ફંડને FD માં મુકશે અથવા તો બાળકોના જમવાના ખર્ચપેટે ઉપયોગમાં લેવામાં આવશે.

શરદ પૂનમના રાસ ગરબાના આયોજન અંગે વધુમાં શ્રીજી ઇવેન્ટના આયોજક સમીર પટેલે જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી નવરાત્રી પર્વમાં રાસ ગરબાનું આયોજન કરે છે. નવરાત્રીમાં કમાવાની ભાવનાથી નહીં પણ સામાજિક ભાવના કેળવાઈ માતાજીની આરાધના થાય તે ઉદ્દેશ્યથી આ આયોજન કરતા આવ્યા છેમ જેમાં ખોટ ખાઈને પણ ગરબાનું આયોજન કરવામાં આવે છે. તેમના આ આયોજનમાં વાપીવાસીઓનો ખૂબ જ સારો સહકાર મળતો રહે છે. જો કે, અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલના ટ્રેન્ડમાં નવરાત્રી સાથે ડાયરાનું કે ફૂડ સ્ટોલ જેવા આયોજન કરી માતાજીની આરાધનાના આ પર્વને કેટલાક આયોજકોએ બિઝનેસ પર્વ બનાવી દીધું છે. ત્યારે તેવી ભાવનાથી પર રહી તેમની સંસ્થાએ સેવાના કાર્ય સાથે આ રાસ ગરબાનું આયોજન કર્યું છે. અને તેમાં સફળ રહ્યા હોવાની ખુશી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ સીઝન-7 અંતર્ગત “શરદ પૂનમ” નું આયોજન ભાઠેલા પાર્ટી પ્લોટ વાપી ખાતે કરવામાં આવ્યું હતું. DYSP બી. એન. દવે, અભિનેત્રી માલિની કપૂર ખાસ ઉપસ્થિત રહ્યા હોય આયોજકો દ્વારા તેઓને પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો હતો. અભિનેત્રી માલિની કપૂર ખેલૈયાઓ સાથે ગરબે ઘુમ્યા હતાં. અભિનેત્રી સાથે ફોટો પડાવવા માટે લોકોએ પડાપડી કરી હતી. તો, પોલીસ જવાનોએ બહેરા-મૂંગા બાળકો સાથે ફોટા પડાવ્યા હતાં. શરદપુનમના રાસ ગરબાના આ આયોજનમાં ખેલૈયાઓનાં પોશાક, ગરબા સ્ટાઈલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રોકડ રકમ સહિતની ગિફ્ટ એનાયત કરવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *