રિપોર્ટ :- કે. એન. વેપારી
વલસાડ :-વલસાડ જિલ્લામાં વાવાઝોડા બાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાયના લાખો-કરોડો રૂપિયા એવા લોકોએ પોતાના ખિસ્સામાં સેરવી લીધા છે જે ખેડૂત જ નથી, તો કેટલાક ગામમાં એક જ ખેતરના ખાતેદાર તરીકે પતિ-પત્ની, પિતા-પુત્ર-પુત્રી તરીકે ખાતેદાર બતાવી અલગ અલગ 2100થી લઈને 58,500 રૂપિયા સુધીની કૃષિ સહાય મેળવી લીધી છે. આ કારસ્તાન પાછળ માત્ર આવા ખાતેદારો જ નહિ પરંતુ ગામના ગ્રામસેવક-સરપંચ-તલાટી થી માંડીને ખેતીવાડી અધિકારીઓ, રાજકીય પક્ષોના રાજનેતાઓ સૌકોઈની મિલિભગત છે.
તાઉ-તે વાવાઝોડા દરમ્યાન વલસાડ જિલ્લાના 5 તાલુકાઓમાં બાગાયતી પાક અને ઉનાળુ પાકને પારાવાર નુકસાન થયુ હતું. આ નુક્સાનીના વળતર રૂપે રાજ્ય સરકારે અને કેન્દ્રસરકારે કૃષિ સહાય જાહેર કરી હતી. જે અંગે aurangatimes દ્વારા તપાસ કરતા વિગતો મળી હતી કે આ જાહેરાત બાદ ખેતીવાડી વિભાગે જે તે ગામના ગ્રામ સેવકને નુક્સાનીના સર્વેની વિગતો મોકલવા કહેણ મોકલ્યું હતું, આ કહેણ બાદ ગ્રામ સેવકે ખેડૂતોને વોટ્સએપ મેસેજ કે અન્ય સોશ્યલ મીડિયાના માધ્યમથી 7 દિવસમાં નુકસાનની વિગતો આપવા જણાવ્યું હતું. જેમાં જે તે ખેડૂતે 7-12ની, 8-અ’ ની નકલ, પાકવાર વાવેતર વિસ્તાર, ઝાડની સંખ્યા સહિતના નમૂના જે તે કચેરીમાં સુપ્રત કરવાના હતાં.
આ અંગે aurangatimes ને ખેતીવાડી અધિકારીએ આપેલી વિગતો મુજબ વલસાડ જિલ્લાના વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી અને ઉમરગામના ખેડૂતો તરફથી સહાય માટે અંદાજિત 6400 અરજીઓ આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં 11 કરોડ જેટલી સહાયનું ચુકવણું થઈ ગયું છે.
aurangatimes દ્વારા ઉમરગામના કેટલાક જાગૃત ખેડૂતો, ગામના સરપંચ સાથે ટેલિફોનિક વાત કરી હતી જેમાં મોટાભાગના ગામમાં કૃષિ સહાય ચુકવણીમાં અનેક ગોબાચારી હોવાનું ખેડૂતો માની રહ્યા છે. જે અંગે વધુ તપાસ કરવા ઉમરગામ તાલુકાના લાભાર્થી ખેડૂતોનું લિસ્ટ ચકાસ્યું તો તેમાં અનેક વિસંગતતા સામે આવી છે. ઉમરગામ તાલુકામાં 49 ગામના 1234 થી વધુ ખેડૂત લાભાર્થીઓ કૃષિ સહાયના લિસ્ટમાં છે. જેમાં કેટલાક એવા લાભાર્થીઓ છે જેમના ઘરે પણ ફળાઉ ઝાડ નથી, ખેતરની વાત તો દૂર રહી, તો, કેટલાકનો વ્યવસાયતો માછીમારીનો છે. છતાં પણ તેઓને કૃષિ સહાય મળી છે. કેટલાક વળી એવા ખેડૂત ખાતેદારના નામ છે. જેમના નામે સયુંકત જમીન છે. જેમ કે પતિ-પત્ની, પિતા-પુત્ર-પુત્રી,ભાઈ-ભાઈ હવે આ તમામ ખાતેદારો તો છે પરંતુ તેમની એક જ જમીન છે જેમાં તાઉ-તે એ વિનાશ વેર્યો જેના આ લાભાર્થીઓએ અલગ અલગ ફોર્મ ભર્યા અલગ અલગ ઝાડની સંખ્યા લખી અને એ આધારે જે રકમ મળવી જોઈએ તે રકમ પણ બેન્ક ખાતામાં મેળવી લીધી.