Friday, October 18News That Matters

પ્રમુખ હિલ્સ સોસાયટીમાં માતાજીના નવ રૂપની ઝાંખી સાથે રાસ ગરબાનું આયોજન કરાયું

વાપીમાં છરવાડા સ્થિત પ્રમુખ હિલ્સ ખાતે નવરાત્રી મહોત્સવ દરમ્યાન માતાજીના નવ સ્વરૂપની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આઠમના દિવસે સોસાયટીની જ બાળાઓને માતાજીની અલગ અલગ વેશભૂષામાં તૈયાર કરી તેમની સાથે તમામ ગરબે રમ્યા હતાં.

આ અંગે ફેસ્ટિવલ કમિટીના આયોજક શિલ્પા અગ્રવાલે જણાવ્યું હતું કે, પ્રમુખ હિલ્સમાં દર વર્ષે નવરાત્રી દરમ્યાન વિશેષ આયોજન સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આ વખતે સોસાયટીની બહેનોએ એક સંપ થઈ નિર્ણય લીધો કે, નવરાત્રી મહોત્સવમાં જેમ માતાજીના નવ રૂપની આરાધના કરવામાં આવે છે. એવી જ રીતે માતાજીના નવ સ્વરૂપની ઝાંખી રજૂ કરવામાં આવે.

 

જે અંતર્ગત આ વખતે આઠમના દિવસે માતાજીના નવે નવ રૂપમાં સોસાયટીની બાળાઓને તૈયાર કરી હતી. નવરાત્રી મહોત્સવના આયોજનમાં દરેક બાળા ને જે તે માતાજીની વેશભૂષામાં સજ્જ કરી ગરબે રમ્યા હતા. માતાજીની આરાધનાના આ પર્વમાં માતાજીના નવ રૂપ જોઈ સોસાયટીના સભ્યોને નવી ઉર્જા મળી હતી. આ પ્રસંગે દાતાઓ દ્વારા માતાજીની વેશભૂષામાં સજ્જ થયેલ બાળાઓને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, પ્રમુખ હિલ્સ વન્ડર વુમન્સ કલબ દ્વારા પ્રોજેકટ શક્તિ હેઠળ 108 આદિવાસી દીકરીઓને ચણીયા ચોળીની ભેટ પણ આપવામાં આવી હતી. તેમજ આવા સમાજ ઉપયોગી કાર્ય કરતા રહેવા માતાજી પાસે આશીર્વાદ માંગી ગરબાની રમઝટ બોલાવી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *