Thursday, January 2News That Matters

ગૌરક્ષક અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા પર ગાય ભરેલ ટેમ્પો ચડાવી મોત નિપજાવવાના મામલામાં વલસાડ પોલીસે 10 ગૌતસ્કરોને દબોચી લીધા

વલસાડ જિલ્લાએ એક બાહોશ અને નીડર ગૌરક્ષકને ખોયો છે………. 
જીવના જોખમે પશુઓને પકડ્યા બાદ પાંજરાપોળમાં તેની માવજત થાય છે કે પછી ગુપચુપ કતલખાને મોકલી દેતા કસાઈઓને હાથે બેમોત મરે છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરવી જરૂરી છે…….
અપરાધીઓને પકડવા જે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરે છે તેવો ઉપયોગ આ દિશામાં પણ જરૂરી કેમ કે ભૂતકાળમાં ગૌમાંસ પકડતા, અબોલ પશુઓ પકડતા કેટલાક ગૌરક્ષકો જ ગૌભક્ષકોના રૂપમાં સામે આવ્યાં છે……… 
17મી જૂને વલસાડ પંથકના ધરમપુરથી વલસાડ અને વલસાડથી નવસારી તરફના હાઇવે નમ્બર 48 પર ફિલ્મની કથાને પણ ટક્કર મારે તેવા સંજોગો બન્યા હતાં. આ સંજોગો મૂળ એક ટેમ્પોમાં 10 ગાય એક બળદ ભરી ભાગેલા ગૌતસ્કરોને ઝડપી પાડવા માટે ઉભા થયા હતાં. જેમાં રીઢા ગૌતસ્કર અને ટેમ્પો ચાલકને પકડવા ગૌરક્ષક હાર્દિક કંસારાએ ટ્રાફિક રોકી પોતાની XUV કાર હાઇવે પર આડી ઉતારી રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગૌતસ્કરોએ તેમના પર ટેમ્પો ચડાવી ગંભીર ઇજા પહોંચાડતાં ગૌરક્ષક હાર્દિક કંસારાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. આ સમગ્ર ઘટના બાદ વલસાડ જિલ્લા પોલીસે 24 કલાકમાં ગૌતસ્કરીમાં સંડોવાયેલા ગાયો વેંચાનાર, ખરીદનાર અને ખરીદીને અન્ય સ્થળે વેંચનાર કુલ 10 લોકોને દબોચી લીધા છે.
સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે પકડાયેલ તમામ આરોપી રીઢા ગુનેગાર છે. અને ગૌતસ્કરીમાં જો કોઈ રોકવા વચ્ચે આવે તો તેને વશ થવાને બદલે પશુઓને તેમના નિયત ઠેકાણે પહોંચાડવા જ તેવા જુનુનવાળા છે. જેમાં અસગર ઉર્ફે માકીયા મહારાષ્ટ્ર ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે. જાવેદ મહંમદનબી શેખ મહારાષ્ટ્ર – ઉમરગામ ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે. અન્સાર ગુલામ શેખ, અલીમુરાદ, જમીલ મહારાષ્ટ્રના તલાસરી ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે. ખલીલ સલીમ શેખ માનીકપુર વસઈ, મહારાષ્ટ્ર ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે. ધર્મેશ આહીર, કમલેશ આહીર, જયેશ આહીર, હસન આલીસર વલસાડ – ઉમરગામ ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ અતુલના અન્સાર શેખ, ધુમાડીયા ફળીયાનો ઝાકીર અલ્લારખુ શેખ, વાંકલના અલીમુરાદ, મીરખાન, અકબર આલીશર ધરમપુર, પારડી અને વલસાડ તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી પશુઓને ખરીદી બારસોલના કમલેશ આહિર, જયેશ આહિર તથા વાંકલના હસન કાદરીના ટેમ્પો મારફતે બારસોલના ધર્મેશ આહિરના ખેતરમાં એકઠા કરી ભીંવડીના ગુલાબ અને ઝાકીર શેખ તેમજ જાવેદ શેખના ટેમ્પો મારફતે નાશિક અને અહમદનગર જીલ્લામાં જમીલ શેખ, શહિદ ઉર્ફ અન્ના શેખ તથા ખલીલ શેખને પહોંચાડતા હતા. અબોલ પશુઓને અન્સાર અલી તથા ઝાકીર અલ્લારખુ શેખ ગાય, ભેંસના તબેલાવાળા પાસેથી સરેરાશ પાંચ થી છ હજારમાં ખરીદ કરી ઇસમ જમીલ શેખને સાત થી આઠ હજારમાં વેચતા હતા. 
આ ગૌતસ્કરીમાં પકડાયેલ ઇસમો બારસોલના રાજુ આહિર પાસેથી ગાય અને બળદની ખરીદી કરી નાસિક લઈ જવાના હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી. જેને દબોચી લેવા ગૌરક્ષકોની 2 વાહનમાં અલગ અલગ ટીમ તેમજ પોલીસની ટીમે ધરમપુર મહારાષ્ટ્ર માર્ગ પર દબોચી લેવાની કોશિશ કરી હતી. પરંતુ ગૌતસ્કરોએ બચવા માટે ટેમ્પોને વલસાડ તરફ ભગાવ્યો હતો. અને હાઇવે નમ્બર 48 પર ભાગ્યા હતાં. જેને પકડી પાડવા ગૌરક્ષક હાર્દિક કંસારાએ બામખાડીના પુલ પાસે પોતાની કાર આગળ કરી ટ્રાફીક બ્લોક કરાવી ટેમ્પો રોકવાની કોશિષ કરતા ટેમ્પા ચાલકે પુરઝડપે ટેમ્પો ચલાવી હાર્દિકને અડફેટે લેતાં ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. જ્યારે ટેમ્પો ચાલક ટેમ્પો છોડી નાસી ગયો હતો. ટેમ્પામાંથી 10 ગાય તથા 1 બળદ મળી કુલ -11 પશુઓ મળી આવ્યાં હતા.
આ ઘટના બાદ ગૌપ્રેમીઓમાં આક્રોશ ફાટ્યો હતો. તો, મૃતક ગૌરક્ષક હાર્દિક કંસારા વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખનો ભત્રીજો હોય પોલીસ પર આરોપીઓને પકડી પાડવા દબાણ વધ્યું હતું. જેને કારણે વલસાડ પોલીસે વિવિધ ટીમ બનાવી નાસિક, ભીંવડી અને વલસાડ જિલ્લામાં છુપાયેલા અને સંડોવાયેલ 10 ગૌતસ્કરોને 24 કલાકમાં જ દબોચી લીધા હતાં. પોલીસે તમામ ગૌતસ્કરો સામે ડુંગરી પોલીસ મથકમાં IPC કલમ 304, પશુ ક્રૂરતા અધિનિયમ તથા ગુજરાત આવશ્યક અને ઢોર નિયંત્રણ અધિનિયમ તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ ઇલેવન્થ એમેન્ડમેન્ટ અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જો કે અત્રે નોંધનીય છે કે જે રીતે ગૌતસ્કરીમાં ગૌતસ્કરો બદનામ છે. તે જ રીતે આવા મૂંગા પશુઓને ઝડપતા ગૌરક્ષકોમાં પણ કેટલાક ગૌરક્ષકોની મેલી મુરાદ અવારનવાર છતી થઈ છે. આ કિસ્સામાં વલસાડ જિલ્લાએ એક બાહોશ અને નીડર ગૌરક્ષકને ખોયો છે. તેનું દુઃખ જિલ્લાના દરેક પશુપ્રેમીને હચમચાવનારું છે. ત્યારે, જીવના જોખમે પશુઓને પકડ્યા બાદ જે તે પાંજરાપોળ માં તે પશુઓની શુ હાલત થાય છે. તેની માવજત થાય છે કે પછી ગુપચુપ કતલખાને મોકલી દેતા કસાઈઓને હાથે બેમોત મરે છે તે અંગે પણ પોલીસે ખાસ તપાસ હાથ ધરવી જરૂરી છે. એવું જીવદયા પ્રેમીઓનું માનવું છે. પોલીસ અપરાધીઓ ને પકડવા જે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરે છે તેવો ઉપયોગ આ દિશામાં પણ કરે કેમ કે ભૂતકાળમાં એવા કિસ્સા બન્યા છે કે જેમાં ગૌમાંસ પકડતા, અબોલ પશુઓ પકડતા ગૌરક્ષકો જ ગૌભક્ષકોના રૂપમાં સામે આવ્યાં છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *