વાપીમાં VIA હોલ ખાતે વાપી ડિવિઝનના DySP એ. કે. વર્મા, DySP કુલદીપ નાઈ તેમજ વાપી, ઉમરગામ, ડુંગરા, કપરાડા, નાનાપોઢા ના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જવાનોએ ગરબા આયોજકો સાથે બેઠક કરી હતી. આગામી દિવસોમાં શરૂ થનાર ગરબા મહોત્સવમાં કેવી તકેદારી રાખવી તે અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવા ગરબા આયોજકો સાથે યોજાયેલ આ બેઠકમાં વલસાડ પોલીસ દ્વારા મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતાં.
આ અંગે DySP એ. કે. વર્મા અને ડીવાયએસપી કુલદીપ નાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગરબા મહોત્સવ શરૂ થવાનો છે. ત્યારે હાલમાં કેટલાક દિવસથી યુવા વયના લોકોમાં હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે. જે સંદર્ભે વાપી તાલુકા સહિત વલસાડ જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે સતર્કતા જાળવવી જરૂરી છે. ઉત્સવના તહેવારને માતમમાં ફેરવાતા અટકાવવા ગરબા આયોજકોને જરૂરી સૂચનો આપવા આ બેઠક યોજાઈ હતી. જેમાં જે મોટા ગરબા આયોજકો છે તે ગરબા સ્થળે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડે.
જોકે કેટલીક શેરીઓ અને સોસાયટીમાં સ્થાનિક તબીબ રહેતા હોય ત્યાં સતર્કતા જાળવવા આયોજકો પોતે આગળ આવ્યા હતા. જે એક સારી બાબત પણ જોવા મળી હતી. વાપી ડિવિઝન હેઠળ નોંધાયેલા 89 જેટલા ગરબા આયોજકોને પોલીસ જવાનો દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવશે. કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ધાર્મિક ગરબા સાથે આ ઉત્સવ ઉજવણી ભક્તિમય વાતાવરણમાં ઉજવવા અપીલ કરી હતી.
બેઠકમાં વાપી GIDC પોલીસ મથકના PI વી. જી. ભરવાડ, વાપી ટાઉન પોલીસ મથકના PI સી. બી. ચૌધરી, ઉમરગામ પોલીસ મથકના PI વી. ડી. મોરી સહિત અન્ય પોલીસ મથકના PI, PSI સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ ગરબા અયોજકોની સુરક્ષાને લઈને કરેલી રજુઆત પણ સાંભળી ઘટતું કરવા ખાતરી આપી હતી.